ગાંધીનગર જિલ્લાના દહેગામ-નરોડા રોડ પર રાયપુર કેનાલ બ્રિજ સમારકામની'ગોકળગાય' ગતિએ ચાલતી કામગીરીએ નાગરિકોની કમર તોડી નાખી છે.
બ્રિજનું સમારકામ એક વર્ષ વીતી ગયું હોવા છતાં પૂરું થવાનું નામ નથી લેતું
રાયપુર કેનાલ પરના બ્રિજનું સમારકામ એક વર્ષ વીતી ગયું હોવા છતાં પૂરું થવાનું નામ નથી લેતું. તંત્ર માત્ર તારીખો પર તારીખો આપી રહ્યું છે, પણ જમીની હકીકત કંઈક અલગ જ છે.
રાયપુર કેનાલ પર આવેલો બ્રિજ લાંબા સમયથી શોભાના ગાંઠિયા સમાન
ગાંધીનગર જિલ્લાના દહેગામ-નરોડાને જોડતો મુખ્ય માર્ગ ઉપર રાયપુર કેનાલ પર આવેલો બ્રિજ લાંબા સમયથી શોભાના ગાંઠિયા સમાન બની ગયો છે. બ્રિજનો એક ભાગ જર્જરિત થતાં કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી તેને બંધ તો કરી દેવાયો, પણ તેને ફરી શરૂ કરવામાં તંત્રને જાણે રસ જ નથી.
નાનકડા બ્રિજના સમારકામ માટે આટલો સમય લાગે?
તંત્ર દ્વારા બ્રિજ શરૂ કરવા માટે જે તારીખ આપવામાં આવી હતી, તે આજે વીતી ગઈ છે. તેમ છતાં બ્રિજ હજુ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકાયો નથી. મુખ્ય બ્રિજ બંધ હોવાને કારણે હજારો વાહનચાલકોએ દરરોજ 6 કિલોમીટરનો લાંબો ફેરો કરવો પડે છે. જેના કારણે ઈંધણ અને સમય બંનેનો વેડફાટ થઈ રહ્યો છે. એક વર્ષથી વધુનો સમય વીતી ગયો છે. શું એક નાનકડા બ્રિજના સમારકામ માટે આટલો સમય લાગે? એવો પ્રશ્ન હવે નાગરિકો પૂછી રહ્યા છે.
જનતાની સમસ્યા નેતાઓ માટે ગૌણ બની ગઈ છે?
સૌથી મોટો સવાલ એ છે કે આ જ રોડ પરથી વિસ્તારના સાંસદ અને ધારાસભ્ય પણ પસાર થતા હશે. શું તેમને સામાન્ય જનતાની આ હાડમારી દેખાતી નથી? કે પછી ચૂંટણી જીત્યા બાદ જનતાની સમસ્યાઓ તેમના માટે ગૌણ બની ગઈ છે?
આ પણ વાંચો---- Surat : પનીર ખાતા પહેલા ચેતજો, ગંદકી વચ્ચે પામોલીન તેલ અને એસીડીક એસીડના મિશ્રણથી બનાવાતા પનીરનો મોટો જથ્થો ઝડપાતાં ખળભળાટ