ગાંધીનગર જિલ્લાના ​દહેગામમાં જાણે વીરપ્પનના વારસદારો સક્રિય થયા હોય તેવો ઘાટ સર્જાયો છે. મોડી રાત્રે તસ્કરોએ એક ખેતરમાં ત્રાટકીને લાખોની કિંમતના ચંદનના ઝાડ પર કુહાડી ફેરવી દીધી છે. 15 વર્ષની મહેનત બાદ ઉછરેલા આ કિંમતી ઝાડ ચોરી કરીને તસ્કરોએ ખેડૂતને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે.


તસ્કરોએ ખેતરમાં ઘૂસીને 10 જેટલા ચંદનના ઝાડ કાપી નાખ્યા

​દહેગામ પંથકમાં મોડી રાત્રે તસ્કરોએ ફિલ્મી સ્ટાઈલમાં ખાતર પાડ્યું છે. દહેગામના નરેશભાઈ અમીનના ખેતરમાં તસ્કરોએ લાખોની ચોરીને અંજામ આપ્યો છે. કોઈ પ્રોફેશનલ ગેંગની જેમ તસ્કરોએ ખેતરમાં ઘૂસીને એક-બે નહીં, પણ 10 જેટલા ચંદનના ઝાડ કાપી નાખ્યા છે. જેમાં 300 કિલોથી વધુ ચંદનનું લાકડું ચોરી પલાયન થઈ ગયા હતા.

રાતોરાત તસ્કરોએ આ આખી વાડી સાફ કરી નાખી

ચોર રાત્રીના અંધકારનો લાભ લઈ માત્ર કિંમતી થડ નો ભાગ કાપીને લઈ ગયા. ખેડૂતે આ ઝાડને 15 વર્ષ સુધી સંતાનની જેમ ઉછેર્યા હતા, પરંતુ રાતોરાત તસ્કરોએ આ આખી વાડી સાફ કરી નાખી છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

વન વિભાગ અને પોલીસ તંત્રની ઉંઘ ઉડી

​દહેગામમાં થયેલી આ મોટી ચોરીએ વન વિભાગ અને પોલીસ તંત્રની ઉંઘ ઉડાડી દીધી છે. હવે જોવાનું એ રહેશે કે શું પોલીસ આ આધુનિક વીરપ્પનોને જેલના સળિયા પાછળ ધકેલી શકશે કે કેમ?  


આ પણ વાંચો----     Iran-Israel Conflict: ઇઝરાયેલમાં ઇમરજન્સી જાહેર, લોકોને સલામત સ્થળે રહેવા એલર્ટ કરાયા, શાળા-કોલેજો બંધ


  • Follow us on: