દાહોદમાં માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. દાહોદ શહેરના બી કેબિન વિસ્તારમાં રેલ્વે વિભાગની ગંભીર બેદરકારી અને પશુના મૃતદેહ પ્રત્યેના અમાનવીય અભિગમે સ્થાનિકોમાં ભારે રોષ જગાડ્યો છે. બે આખલાઓ વચ્ચેના યુદ્ધમાં એક આખલાનું ખાડામાં પડવાથી મોત નીપજ્યું હતું, પરંતુ ત્યારબાદ તેના મૃતદેહના નિકાલ માટે જે પદ્ધતિ અપનાવાઈ તે જોઈને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા છે.


આખલાઓના યુદ્ધમાં કરૂણ અંત

ઘટનાની મળતી માહિતી અનુસાર, દાહોદ બી કેબિન પાસે બે આખલાઓ પરસ્પર લડી રહ્યા હતા. આ દરમિયાન એક આખલો નજીકના ઉંડા ખાડામાં ખાબક્યો હતો, જ્યાં ગંભીર ઈજાઓ થવાના કારણે તેનું કરૂણ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા જ દાહોદ નગરપાલિકા દ્વારા જેસીબી (JCB) મશીનની મદદથી આખલાના મૃતદેહને ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

રેલ્વે વિભાગની ક્રૂરતા કેમેરામાં કેદ

આખલાના મૃતદેહને અંતિમ નિકાલ માટે લઈ જવાની જવાબદારી રેલ્વે વિભાગની હતી, પરંતુ રેલ્વેના કર્મચારીઓએ માનવીય અભિગમ નેવે મૂકીને મૃત આખલાને ટ્રેક્ટરની પાછળ દોરડાથી બાંધી દીધો હતો. આ રીતે જાહેર માર્ગો પર મૃતદેહને ઢસડીને લઈ જવામાં આવ્યો હતો. આ સમગ્ર અમાનવીય દ્રશ્યો કોઈએ કેમેરામાં કેદ કરી લીધા હતા, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

લોકોમાં આક્રોશ અને ફીટકાર

મૃત પશુ સાથેના આવા ગેરવર્તનને જોઈને ગૌપ્રેમીઓ અને સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, ભલે તે પશુ હોય, પણ તેના મૃતદેહની એક ગરિમા હોય છે. જાહેર માર્ગો પર આ રીતે ઢસડીને લઈ જવું એ દાહોદ રેલ્વે વિભાગની સંવેદનહીનતા દર્શાવે છે. લોકો હવે આ જવાબદાર કર્મચારીઓ સામે કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે.


આ પણ વાંચો - Dahod News : લીમખેડામાં 56 વર્ષીય શિક્ષકે અગમ્ય કારણોસર ટૂંકાવ્યું જીવન, ગળેફાંસો ખાઈ કાયો આપઘાત



  • Follow us on: