દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની હકીકત સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક વિગતો મુજબ, અંદાજે 12 કરોડથી વધુનો ફાળો લાભાર્થીઓને મળવાને બદલે ભ્રષ્ટ તત્વો દ્વારા બારોબાર સગેવગે કરી દેવામાં આવ્યો છે. કૌભાંડીઓએ એક હજારથી વધુ ગરીબ લાભાર્થીઓના બેંક ખાતા અને આધાર કાર્ડની વિગતો સાથે છેડછાડ કરી છે. ઓનલાઇન સિસ્ટમમાં ગેરરીતિ આચરીને સરકારી નાણાં કમ્પ્યુટર ઓપરેટરો અને વચેટિયાઓએ ખિસ્સામાં ભરી લીધા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. આ કૌભાંડ એટલી હદે વ્યાપક છે કે કુલ 1,200 લાભાર્થીઓમાંથી માત્ર 200 ખાતા જ સાચા હોવાનું બહાર આવ્યું છે.
તંત્રની દાદાગીરી
જ્યારે છેતરાયેલા લાભાર્થીઓ આ મામલે રજૂઆત કરવા માટે સરકારી કચેરીએ પહોંચ્યા, ત્યારે જવાબદાર અધિકારીઓ દ્વારા તેઓને મદદ કરવાને બદલે અપમાનિત કરીને કાઢી મૂકવામાં આવ્યા હોવાનો આક્ષેપ થયો છે. ગરીબોના ઘરના ઘરનું સપનું આ ભ્રષ્ટ તંત્રના કારણે રોળાયું છે. આ કૌભાંડમાં સ્થાનિક કમ્પ્યુટર ઓપરેટરો અને ઉચ્ચ અધિકારીઓની મિલીભગત હોવાની પૂરેપૂરી શક્યતા છે, કારણ કે ઓનલાઇન ડેટામાં છેડછાડ કરવી કોઈ સામાન્ય વ્યક્તિનું કામ નથી. હાલમાં પીડિતો દ્વારા આ મામલે ઉચ્ચ કક્ષાએ ન્યાયની માંગ કરવામાં આવી રહી છે અને જો તટસ્થ તપાસ થાય તો અનેક મોટા માથાંઓની સંડોવણી ખુલવાની આશંકા છે.













