દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાલ્લી ગામ નજીક આજે વહેલી સવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર ઉભેલી પીકઅપ ગાડીને પાછળથી પૂરઝડપે આવતા ટ્રેલરે જોરદાર ટક્કર મારતા એક વ્યક્તિનું કરૂણ મોત નિપજ્યું છે. અકસ્માત એટલો ભયંકર હતો કે, ટક્કર વાગતા જ પીકઅપ ગાડી રોડ પર પલટી મારી ગઈ હતી.
પંચર સાંધતી વખતે જ કાળ ભેટી ગયો
ઘટનાની મળતી માહિતી અનુસાર, લીમખેડાના પાલ્લી નજીક હાઈવે પર એક પીકઅપ ગાડીનું ટાયર પંચર પડતા ચાલક ગાડી ઉભી રાખીને પંચર સાંધવાની કામગીરી કરી રહ્યો હતો. આ દરમિયાન પાછળથી આવી રહેલા એક બેફામ ટ્રેલરે ઉભેલી પીકઅપ ગાડીને પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી. ગાડીની કામગીરી કરી રહેલો વ્યક્તિ ટ્રેલર અને પીકઅપ વચ્ચે આવી જતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.













