બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં હોળીના પર્વની અત્યંત ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. ધાનેરાના મુખ્ય પાલિકા ચોક ખાતે પરંપરાગત રીતે હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા. રાજસ્થાનની સરહદને અડીને આવેલા આ વિસ્તારમાં ગુજરાત અને રાજસ્થાન બંને સંસ્કૃતિનો પ્રભાવ જોવા મળે છે, જેના કારણે અહીં હોળીના પર્વનું અનેરું મહત્વ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
પાલિકા ચોક ખાતે હોલિકા દહનનો કાર્યકમ
ધાનેરામાં વર્ષો જૂની માન્યતા મુજબ, હોલિકા દહન સમયે હોળી પર ફરકાવવામાં આવેલી ધજા કઈ દિશામાં પડે છે અથવા પવનની ગતિ કેવી રહે છે, તેના આધારે આગામી વર્ષ કેવું જશે તેનો 'વરતારો' (અનુમાન) કરવામાં આવે છે. ગ્રામીણ વિસ્તારો અને ખેડૂતો માટે આ વરતારો ખૂબ મહત્વનો ગણાય છે, કારણ કે તેના આધારે વરસાદ અને પાકનું અનુમાન લગાવવામાં આવે છે. આ વર્ષે પણ હોળીની જ્વાળાઓ અને ધજાની સ્થિતિ જોઈને વડીલો દ્વારા વર્ષના શુકન જોવામાં આવ્યા હતા.













