અમરેલી જિલ્લાના ધારી શહેરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપી રહેલી એક વિદ્યાર્થિનીએ પરીક્ષામાં નાપાસ થવાના ડરથી ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે. બે પેપર નબળા જતાં વિદ્યાર્થિની માનસિક તણાવમાં હતી, જે અંતે આત્મહત્યામાં પરિણમી છે.


શું છે સમગ્ર ઘટના?

અમરેલી જિલ્લાના ધારીની પુરબિયા શેરીમાં રહેતી 16 વર્ષીય છાયાબેન ભવાનભાઈ ઠુંમર ધોરણ 12માં અભ્યાસ કરતી હતી. હાલમાં ચાલી રહેલી બોર્ડની પરીક્ષાઓ દરમિયાન તેના બે પેપર ધાર્યા મુજબ ગયા ન હતા. આ કારણે તે સતત ગભરાયેલી રહેતી હતી કે તે પરીક્ષામાં નાપાસ થશે. આ નિષ્ફળતાના ડરથી ગભરાઈને છાયાએ ઝેરી ટીકડા ખાઈ લીધા હતા.

સારવાર દરમિયાન નિપજ્યું મોત

ઘટનાની જાણ થતા જ પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જોકે, ઝેરની અસર વધુ હોવાથી ટૂંકી સારવાર બાદ તેનું કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર પુરબિયા શેરી અને ધારી પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

પોલીસ તપાસ શરૂ

દીકરીના મોત બાદ પિતા ભવાનભાઈએ પોલીસને જાણ કરી હતી. ધારી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ આદરી છે. આ ઘટના ફરી એકવાર વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે લાલબત્તી સમાન છે કે, પરીક્ષા એ જીવનનો અંત નથી. બાળકો પર અતિશય દબાણ ન લાવવા અને તેમને માનસિક ટેકો આપવા મનોવૈજ્ઞાનિકો વારંવાર અપીલ કરી રહ્યા છે.


આ પણ વાંચો - Amreli News: વિઠ્ઠલપુર પાસે શેત્રુજી નદીમાં ન્હાવા ગયેલા યુવક ડૂબ્યો, ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યો



  • Follow us on: