યાત્રાધામ દ્વારકાના પૌરાણિક દ્વારકાધીશ મંદિર નજીક પુરાતત્ત્વ વિભાગ દ્વારા આજથી સર્વેક્ષણની કામગીરીનો પ્રારંભ કરાયો છે.પુરાતત્ત્વ વિભાગના અધિક મહાનિદેશક આલોક ત્રિપાઠીના નેતૃત્વમાં આર્કોલોજી વિભાગની ટીમ દ્વારા આજરોજ જગતમંદિરના સ્વર્ગ દ્વાર તરફના જગતમંદિર અને ગોમતી નદી વચ્ચેના શારદા મઠની જગ્યામાં સર્વેક્ષણની કામગીરીનો પ્રારંભ કરાયો છે.
દ્વારકાના દટાયેલા મહત્વપૂર્ણ અવશેષોની શોધખોળ
પૌરાણિક માન્યતા અનુસાર દ્વારકાધીશ મંદિર આશરે પાંચ હજાર વર્ષ પહેલા દ્વારકાધીશના પ્રપૌત્ર પ્રધુમનજી દ્વારા બનાવાયેલ જગતમંદિર અતિ પૌરાણિક હોય જેની દેખરેખ અને જાળવણી પુરાતત્ત્વ વિભાગ દ્વારા કરવામાં આવે છે. આ પહેલા વખતો વખત સમુદ્રમાં ડૂબેલી દ્વારકા તથા અન્ય પ્રાચીન ચીજવસ્તુઓની શોધખોળ માટે સર્વે કામગીરી કરાઈ છે ત્યારે આજરોજ પુરાતત્ત્વ વિભાગ દ્વારા જૂની દ્વારકાના દટાયેલા મહત્વપૂર્ણ અવશેષોની શોધખોળ માટે જગતમંદિરના છપ્પન સીડી પાસેના શારદામઠની જગ્યામાં ખોદકામ કરવાની કામગીરીનો પ્રારંભ કર્યો છે.સમુદ્રમાં ડૂબી ગયેલ દ્વારકાના અવશેષોની શોધખોળ માટે ભારતીય પુરાતત્વ વિભાગની અન્ડરવોટર આર્કિયોલોજી વિંગ દ્વારા પણ કામગીરી હાથ ધરવામાં આવનાર છે.
100વર્ષ ઉપરાંતથી વિદ્વાનો દ્વારા પ્રયાસો ચાલી રહયા છે
પુરાતત્ત્વ વિભાગના અધિક મહાનિદેશક આલોક ત્રિપાઠીના જણાવ્યાનુસાર દ્વારકા નગરનું જેટલું ધાર્મિક મહત્ત્વ છે તેટલું જ ઐતિહાસિક અને પુરાતત્ત્વીય મહત્ત્વ રહેલું છે. જેની પ્રાચીનતા જાણવા સાહિત્ય અને પુરાતત્વ આધાર પર ૧૦૦ વર્ષ ઉપરાંતથી વિદ્વાનો દ્વારા પ્રયાસો ચાલી રહયા છે. ૨૦૦૫ થી ૨૦૦૭ દરમ્યાન કરેલ સર્વેક્ષણની મર્યાદિત કક્ષામાં કામગીરી કરવામાં આવેલ જેમાંથી મળેલ પરિણામો આધારે અહીની પ્રાચીનતાને સિધ્ધ કરવા વધુ પ્રયત્નોની જરૂરીયાત હોય થોડા સર્વે થયેલ કામગીરી બાદ ભારત સરકાર દ્વારા વિશેષ પરિયોજના હેતુ આજરોજ પુનઃ સર્વેક્ષણની કામગીરી હાથ ધરવામાં આવી છે.
કેન્દ્રીય પુરાતત્વ વિભાગના સહકારથી કામગીરી
અહીંની પ્રાચીનતા તથા દ્વારકા તથા બેટ દ્વારકાના સમુદ્રમાં રહેલા પૌરાણિક અવશેષોની વિસ્તૃત શોધખોળ માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.વૈજ્ઞાનિક અને એકેડેમીક એકટીવીટીમાં પુરાતત્વ વિભાગના પટના, નાગપુર, દક્ષિણ ભારત સહિત દેશભરમાંથી આવેલ પુરાતત્વવિદો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પહેલાં પણ જગતમંદિરના મોક્ષ દ્વાર નજીક ખોદકામની કામગીરી કરવામાં આવેલ. પુરાતત્વ વિભાગ દ્વારા હાથ ધરેલ ઉત્ખનનની કામગીરીમાં મળતા અવશેષો આધારે આવનારા દિવસોમાં પણ કામગીરી યથાવત રહેશે.મૂળ રૂપે અન્ડરવોટર વિંગની ટીમ દ્વારા રાજકોટ વિભાગ તથા કેન્દ્રીય પુરાતત્વ વિભાગના સહકારથી કામગીરી હાથ ધરવામાં આવનાર છે.
ર૦ર૩માં પણ મંદિર જીર્ણોધ્ધાર અંગે કરાયો હતું નિરીક્ષણ
આ પહેલા વર્ષ ૨૦૨૩માં પણ ભારતના પ્રમુખ તીર્થક્ષેત્ર દ્વારકાધીશ મંદિરના શિખરના વિવિધ ભાગોમાં તિરાડો પડી રહી હોવા અંગે અને સાત મજલાના જગતમંદિરના શિખરને હવામાનની સીધી અસર તથા હજારો વર્ષ જૂનાં પત્થરોમાં મોટા ગાબડા પડયાના વિવિધ સમાચાર માધ્યમોના અહેવાલો બાદ ભારતીય પુરાતત્ત્વ વિભાગના મુંબઈ જીજનલ કચેરી તથા બરોડા અને રાજકોટસ્થિત કચેરીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થાનીય પુરાતત્ત્વ કચેરી સાથે મંદિરના જીર્ણોદ્ધારની ચર્ચા કરી મંદિર શિખરનું જાત નિરીક્ષણ કર્યુ હતું.
આ પણ વાંચોઃ Sabarkantha News: હિંમતનગરમાં મોપેડ ચાલકે બાળકીને અડફેટે લીધી, હાલત ગંભીર