એક અજાણી મહિલા ૧૮૧ હેલ્પલાઇન મારફતે સખી વન સ્ટોપ સેન્ટર જામ ખંભાળિયા ખાતે આશ્રય માટે આવ્યા હતા.તેમની પાસેથી મેળવેલ વિગતમાં પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું કે તેઓ છત્તીસગઢ રાજ્યનાં રાયપુર જિલ્લાના રહેવાસી છે અને છેલ્લા કેટલાક દિવસોથી ખંભાળિયા તાલુકાના ભીંડા ગામે રહેતા હતા.ગામના જાગૃત નાગરિક દ્વારા ૧૮૧માં કોલ કરીને આ મહિલા વિશે માહિતી આપી હતી.૧૮૧ ની ટીમ દ્વારા સ્થળ પર જઈ આ મહિલાને રેસ્ક્યુ કરી સેન્ટર ખાતે આશ્રય અપાવવામાં આવ્યો હતો. જ્યાં આ મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.


આ મહિલા છત્તીસગઢ રાજ્યના રાયપુર જિલ્લાના વતની

કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે આ મહિલા છત્તીસગઢ રાજ્યના રાયપુર જિલ્લાના વતની છે.ત્યારબાદ સેન્ટર અને સ્થાનિક પોલીસની ટીમ દ્વારા રાયપુર,કાંકેર તથા નરહરપુર પોલીસ સ્ટેશનોનો સંપર્ક કરીને સંબંધિત માહિતી મેળવવામાં આવી હતી.છત્તીસગઢ પોલીસની સહાયથી આ મહિલાના પરિવાર અને ગામના સરપંચ સાથે સંપર્ક થતાં વિગતે ચર્ચા થઈ હતી.દરમિયાન પરિવાર તરફથી માહિતી મળેલ કે આ બહેન ત્રણ વર્ષ પહેલા ઘરેથી કોઈ યુવક સાથે નીકળી ગયા હતા જે સબબ છતીસગઢ પોલીસ સ્ટેશનમાં ગુમ થયા અંગેની અરજી પણ આપવામાં આવી હતી.

પરિવારે દીકરીના પરત ફરવાની આશા છોડી દીધી હતી

લાંબા સમય સુધી કોઈ માહિતી ન મળતાં પરિવારે દીકરીના પરત ફરવાની આશા છોડી દીધી હતી.પરંતુ સખી વન સ્ટોપ સેન્ટર દેવભૂમિ દ્વારકા અને છત્તીસગઢ પોલીસ તંત્રના સંકલન અને સમજાવટ બાદ પરિવારે દીકરીને પરત લઈ જવા માટે સહમતિ આપી હતી. ત્યારબાદ કાંકેર પોલીસની ટીમ તથા મહિલાના પરિવારજનો દીકરીનો કબજો મેળવવા માટે સખી વન સ્ટોપ સેન્ટર ખંભાળિયા ખાતે આવ્યા હતા. જે દરમિયાન ખંભાળિયા મહિલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.જે.એમ.અગ્રાવતની હાજરીમાં જરૂરી દસ્તાવેજોની ખરાઈ બાદ મહિલાને સુરક્ષિત રીતે તેમના પરિવારને સોંપવામાં આવી હતી.


આ પણ વાંચોઃ Navsari: નેશનલ હાઈવે 84 પર ટ્રક પલટી મારી જતા સામાન વેરવિખેર, વેસ્મા નજીક અકસ્માતથી ભારે ટ્રાફિક જામ

  • Follow us on: