દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્ટંટબાજ યુવાનોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. તાજેતરમાં ખંભાળિયા-દ્વારકા હાઈવે પરથી એક અત્યંત જોખમી વીડિયો સામે આવ્યો છે, જેમાં 4 થી 5 બાઈક સવારો કાયદો અને વ્યવસ્થાની ઐસીતૈસી કરીને સ્ટંટ કરતા નજરે પડે છે. આ યુવાનો ચાલુ બાઈકે સીટ પર સૂતા-સૂતા પૂરપાટ ઝડપે વાહનો હંકારી રહ્યા છે, જે જોઈને કોઈપણનું કાળજું ધ્રૂજી ઉઠે.
પોલીસના ડર વગર જોખમી ખેલ
વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે; યુવાનો બાઈક પર એક્રોબેટિક સ્ટાઈલમાં સૂતા છે અને પૂર ઝડપે હાઈવે પરથી પસાર થઈ રહ્યા છે. આ હાઈવે યાત્રાધામ દ્વારકાને જોડતો હોવાથી સતત વાહનોની અવરજવર રહે છે, તેમ છતાં આ સ્ટંટબાજોને કોઈનો ડર હોય તેમ લાગતું નથી. અગાઉ પણ આવા સ્ટંટબાજો સામે કાર્યવાહી થઈ હોવા છતાં, ફરી એકવાર આવો વીડિયો સામે આવતા દ્વારકા પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.













