યાત્રાધામ દ્વારકાને જોડતા નેશનલ હાઈવે પર સતત વધતા જતા વાહનોના ભારણ અને બેદરકારીભર્યા ડ્રાઈવિંગને કારણે થતા જીવલેણ અકસ્માતોને રોકવા માટે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા એક મહત્વપૂર્ણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વાહનચાલકોની સુરક્ષાને પ્રાધાન્ય આપીને હવે હાઈવે પર ઠેર-ઠેર રેટ્રો રિફ્લેક્ટિવ ટ્રાફિક સાઈન બોર્ડ્સ લગાવવામાં આવ્યા છે.


શા માટે લેવાયો આ નિર્ણય?

છેલ્લા કેટલાક સમયથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર ઓવરસ્પીડ અને રોંગ સાઈડમાં વાહન ચલાવવાના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થયો છે. ખાસ કરીને રાત્રિના સમયે વિઝિબિલિટી ઓછી હોવાને કારણે ગંભીર અકસ્માતો સર્જાય છે. આ પરિસ્થિતિને જોતા જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ ટ્રાફિક શાખા દ્વારા બ્લેક સ્પોટ્સ અને જોખમી વળાંકો પર આધુનિક રિફ્લેક્ટિવ બોર્ડ્સ લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

શું છે આ બોર્ડની ખાસિયત?

આ રેટ્રો રિફ્લેક્ટિવ બોર્ડ્સની ખાસિયત એ છે કે, રાત્રિના સમયે વાહનની હેડલાઈટ પડતા જ તે ચમકે છે, જેનાથી દૂરથી આવતા ચાલકને ગતિ મર્યાદા, જોખમી વળાંક કે રોંગ સાઈડ અંગે અગાઉથી ચેતવણી મળી રહે છે. આનાથી ચાલક સતર્ક થાય છે અને અકસ્માતની શક્યતા નહિવત બની જાય છે.

પોલીસે કરી અપીલ

ટ્રાફિક પોલીસ દ્વારા માત્ર બોર્ડ લગાવીને કામગીરી સંતોષવામાં આવી નથી, પરંતુ વાહનચાલકોને રૂબરૂ મળીને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સમજાવવામાં આવી રહ્યા છે. પોલીસ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે. "સુરક્ષિત સફર, સુખદ સફર" ના સૂત્ર સાથે તંત્ર હવે હાઈવે પર શિસ્ત લાવવા કટિબદ્ધ છે.


આ પણ વાંચો - આસ્થાનો મહાસાગર! માંગરોળમાં 1500 ફૂટની સાડી અર્પણ કરી ઉજવાઈ નર્મદા જયંતી



  • Follow us on: