"નમામિ દેવી નર્મદે..." ના ગગનભેદી નાદ સાથે આજે નર્મદા કિનારો ભક્તિમય બની ગયો હતો. ભારતની એકમાત્ર નદી જેની પરિક્રમાનું અનેરું મહાત્મ્ય છે, તેવા નર્મદા મૈયાની આજે જન્મજયંતી નિમિત્તે નર્મદા જિલ્લાના માંગરોળ ગામે અનોખી ભક્તિના દર્શન થયા હતા. અહીં ગ્રામજનોએ એકસાથે મળીને માતાજીને 1500 ફૂટ લાંબી સાડી અર્પણ કરી ધન્યતા અનુભવી હતી.


આસ્થા સામે કુદરતી આફત પણ ન ડગાવી શકી શ્રદ્ધા

નોંધનીય છે કે, માત્ર બે વર્ષ પહેલા જ માંગરોળ ગામે નર્મદાના વિનાશક પૂરનો સામનો કર્યો હતો. આખું ગામ જળબંબાકાર થયું હતું અને ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું. સામાન્ય રીતે પૂરથી નુકસાન થયા બાદ લોકોમાં ડર હોય છે, પરંતુ માંગરોળના લોકોમાં મા નર્મદા પ્રત્યેની આસ્થા આજે પણ અડગ છે. પૂરના ઘા ભૂલીને ગ્રામજનોએ ભવ્ય શોભાયાત્રા કાઢી હતી અને મહાપૂજાનું આયોજન કર્યું હતું.




નૌકાઓ દ્વારા જળ-અર્પણ

1500 ફૂટ લાંબી સાડીને નદીની વચ્ચે સુધી લઈ જવા માટે 10થી વધુ નૌકાઓની મદદ લેવામાં આવી હતી. હજારો શ્રદ્ધાળુઓએ માનવસાંકળ રચી, એકબીજાના હાથની મદદથી માતાજીને સાડી ઓઢાડી હતી. આ દ્રશ્ય એટલું મનોહર હતું કે, જાણે નર્મદા મૈયા પોતે શ્રદ્ધાના વસ્ત્રો ધારણ કરી રહ્યા હોય! દર્શન માત્રથી પાપ ધોનારી નર્મદા નદી પ્રત્યેની આ અનોખી ભક્તિ આજે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની છે.


આ પણ વાંચો - Padma Awards 2026 : આ ત્રણ ગુજરાતીઓને મળશે પદ્મશ્રી પુરસ્કાર, 45 લોકોની યાદી સામે આવી



  • Follow us on: