રંગોના પર્વ ધુળેટી નિમિત્તે લોકો ઉત્સાહમાં હોય છે, પરંતુ જામ ખંભાળિયામાં નગરપાલિકા સંચાલિત સ્વિમિંગ પૂલના સંચાલકોએ આ ઉત્સાહ પર પાણી ફેરવી દીધું છે. સામાન્ય દિવસોમાં જે સ્વિમિંગ પૂલનો ચાર્જ 100 રૂપિયા છે, ત્યાં ધુળેટીના દિવસે સીધો 200 રૂપિયા વસૂલવામાં આવતા સ્થાનિકોમાં ભારે નારાજગી વ્યાપી છે.
ફેસ્ટિવલના નામે ખુલ્લેઆમ ઉઘાડી લૂંટ?
સ્વિમિંગ પૂલ પર મોટી સંખ્યામાં યુવાનો અને બાળકો પર્વની ઉજવણી કરવા પહોંચ્યા હતા. જોકે, ત્યાં પહોંચતા જ ખબર પડી કે એક કલાકના સ્વિમિંગ માટે 200 રૂપિયા ચૂકવવા પડશે. લોકોએ આક્ષેપ કર્યો છે કે, જામ ખંભાળીયા નગરપાલિકા હસ્તકની મિલકતમાં ખાનગી સંચાલકો દ્વારા 'ફેસ્ટિવલ ચાર્જ'ના નામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે. મધ્યમ વર્ગના પરિવારો માટે આ ચાર્જ પરવડે તેમ ન હોવાથી લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો.













