કચ્છના ગાંધીધામમાં ટાગોર રોડ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. બેફામ ગતિએ કાર ચલાવી બે નિર્દોષ યુવાનોનો ભોગ લેનાર અને અન્ય બેને ગંભીર ઈજા પહોંચાડનાર ચારેય આરોપીઓને પોલીસે દબોચી લીધા છે. આ ઘટનાને પગલે સમગ્ર ગાંધીધામમાં ભારે રોષ જોવા મળ્યો હતો, જેના દબાણ હેઠળ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી હતી.

બે યુવાનના અકસ્માતમા નિપજ્યાં હતા મોત

પોલીસે આ હિટ-એન્ડ-રન અને ભયાનક અકસ્માતના મામલે નિતીન મુકેશભાઈ ગોસ્વામી, દિપક ઈશ્વરભાઈ ધુલાણી, તરૂણ જીતેન્દ્રભાઈ રીજવાણી અને મનિષ અશોકભાઈ ખેમચંદાણીની ધરપકડ કરી છે. ગાંધીધામના મુખ્ય ટાગોર રોડ પર આ આરોપીઓએ પોતાની કારને બેફામ ગતિએ હંકારી હતી. આ દરમિયાન રસ્તા પરથી પસાર થઈ રહેલા એક્ટિવા ચાલક અને અન્ય રાહદારીઓને કારે અડફેટે લીધા હતા.

અન્ય બે વ્યક્તિઓને પહોંચી છે ગંભીર ઈજાઓ

ટક્કર એટલી ભયાનક હતી કે: બે યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માત સર્જીને નાસી છૂટેલા આ આરોપીઓને પકડવા માટે પોલીસ સતત સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદ લઈ રહી હતી. આખરે ચારેય શખ્સો પોલીસના સકંજામાં આવતા મૃતકોના પરિવારજનોએ કડકમાં કડક સજાની માંગ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો