મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા યોજાયેલા “નારી ગૌરવ સંવાદ અને માતા યશોદા એવોર્ડ વિતરણ” કાર્યક્રમમાં સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો કે, રાજ્ય અને દેશના સર્વાંગી વિકાસમાં મહિલાશક્તિનું અમૂલ્ય યોગદાન છે.આ સમારોહમાં મહિલા કલ્યાણ માટે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ એક શ્રેષ્ઠ સ્વૈચ્છિક સંસ્થા અને એક શ્રેષ્ઠ મહિલા કાર્યકરને “ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર”થી મુખ્યમંત્રીએ સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત રાજ્યના ચાર ઝોનમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર મુખ્ય સેવિકા, આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોને "માતા યશોદા એવોર્ડ" પણ એનાયત કરવામાં આવ્યા હતા.
સાહસિક મહિલાઓને સમાજના સાચા રોલ મોડેલ
રમત-ગમત, સામાજિક, સંરક્ષણ, ઉદ્યોગ, કલા-સંસ્કૃતિ અને શિક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રોની મહિલા અગ્રણીઓ સાથે મુખ્યમંત્રીએ પ્રત્યક્ષ સંવાદ કરીને મહિલા ઉત્કર્ષ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને મહિલાઓના કલ્યાણ તથા સ્વાસ્થ્ય સુરક્ષા માટેની રાજ્ય સરકારની પ્રોત્સાહક યોજનાઓની છણાવટ કરી હતી.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, મહિલાઓ જ્યારે ઘરનો ઉંબરો ઓળંગીને નવું સાહસ કરે છે, ત્યારે અનેક સામાજિક પડકારો સામે આવે છે. પરંતુ, આ અવરોધોને પાર કરીને સફળ થયેલી મહિલાઓ દેશની અન્ય લાખો બહેનો માટે પ્રેરણાનું કિરણ બને છે. તેમણે આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાહસિક મહિલાઓને સમાજના સાચા રોલ મોડેલ ગણાવ્યા હતા.













