ગુજરાતભરમાં ડ્રગ માફિયાઓ, ડ્રગ્સ સપ્લાયર્સ અને નાર્કોટિક્સ નેટવર્ક સાથે સંકળાયેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા સ્થાપવામાં આવેલા એન્ટી નાર્કોટિક્સ ઓપરેશનલ યુનિટમાં રાજ્યભરના 44 પોલીસ કર્મીઓની ત્રણ વર્ષ માટે નિમણૂક કરવામાં આવી છે. હવે આ કર્મચારીઓ નાર્કોટિક્સના ગુના સામે વધુ એક્શનપૂર્વક કામગીરી કરશે.


44 પોલીસ કર્મીઓની નિમણૂક કરાઈ

આ 44 પોલીસ કર્મીઓમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને મોરબી સહિતના જિલ્લાઓમાં કાર્યરત પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલોની નિમણૂક કરવામાં આવી છે. જેઓ રાજ્યમા ડ્રગ્સની બદી અને તેના ફેલાવા સામે સક્રિય થઈને કામગીરી કરશે. ત્રણ વર્ષ માટે કરવામાં આવેલી આ નિમણૂકનો સમય પૂર્ણ થયા બાદ તેમને પરત તેમના મુળ મહેકમમાં મોકલવામાં આવશે. તેઓ સંપૂર્ણ પણે સીઆઈડી ક્રાઈમ હેઠળ કામગીરી કરશે.

એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની રચના

ગુજરાત સરકારે નાર્કોટિક્સ સેલને વધુ મજબૂત બનાવવા માટે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની રચના કરી છે. જેમાં એક એસપી, 6 જેટલા ડિવાયએસપી અને 13 પીઆઈ સહિત 177ના વધારાના સ્ટાફને મંજૂરી આપી છે. અગાઉ આ સેલમાં 34 અધિકારીઓ અને કર્મચારીઓ હતાં. હવે આ સેલ કાર્યરત થયા બાદ તેમાં વધુ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ પોલીસ કર્મીઓ ફક્ત નાર્કોટિક્સને લગતા ગુનાઓ પર ધ્યાન કેન્દ્રીત કરશે. આ સમગ્ર યુનિટની દેખરેખ સીઆઈડી ક્રાઈમ દ્વારા કરાશે.

આ પણ વાંચોઃ Vav Tharad : આપણે સિંહોના દાંત ગણવા વાળા ઠાકોર સમાજ છીએ, આજનો દિવસ કસોટીનો છે : ધારાસભ્ય લવિંગજી ઠાકોર


  • Follow us on: