બનાસકાંઠામાં વાવ થરાદના ઓગડ ખાતે ઠાકોર સમાજનું મહા સંમેલન યોજાયું છે. જેમાં 16 મુદ્દાના બંધારણની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સાંસદ ગેની બહેન સહિતના આગેવાનો જોડાયા હતાં. આ સંમેલનમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે નિવેદન આપતાં કહ્યું હતું કે, હું કાયમ કહેતો કે જય એટલે વિજય. આજનો દિવસ આપણી કસોટીનો દિવસ છે. સિંહના દાંત ગણવા વાળા આપણે ઠાકોર સમાજ છીએ. હું ગામડામાં ગયો તો કહેવાયું કે તમે આગેવાનો બંધારણ પાળજો. એટલે તમે દેખાડામાં ના પડતા બંધારણ પાળજો નહીં તો સદારામ બાપા છે.
હવે શિક્ષણનો પ્યાલો પીવાની જરૂર છે
આ મહા સંમેલનમાં ઠાકોર સમાજના આગેવાન કેશાજી ઠાકોરે કહ્યું હતુ કે, લાભ પાંચમે વાત મુકી હતી આજે નવા બંધારણનું વિમોચન થયું છે. ગાંધીજીએ જે રીતે સંકલ્પ કર્યો હતો તે જ રીતે આપણે સંકલ્પબદ્ધ બનવાનું છે. આ સમાજના શક્તિશાળી બનાવવાનો છે. કોઈનો ઓશિયાળો ના બને તેવો શક્તિશાળી સમાજ બનાવવાનો છે. જ્યારે અમૃતજી ઠાકોરે કહ્યું હતું કે, આજે ઈતિહાસના પાના લખાશે. બંધારણ માટે સામે બેઠા એ તો રેડી છે. સમાજના 14 મુદ્દાના બંધારણનો અમલ આજથી જ નક્કી કરો. હું મારા ઘરેથી પાલન કરીશ પછી પાડોશીને કહેવા જઈશ. હવે શિક્ષણનો પ્યાલો પીવાની જરૂર છે.













