ડિજિટલ ઇન્ડિયાના વિઝનને સાકાર કરવા અને નાગરિકોને ઘરઆંગણે સેવાઓ પૂરી પાડવા માટે ભારતીય ટપાલ વિભાગ દ્વારા મહત્વનું પગલું ઉઠાવવામાં આવ્યું છે. 7 જાન્યુઆરી, 2026ના રોજ ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ દ્વારા ગાંધીનગરના સેક્ટર-17 સ્થિત પોસ્ટ ઓફિસમાં નવા આધાર સેવા કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યું છે.
સમય અને સુવિધામાં કરાયો વધારો
નાગરિકોની સુવિધા માટે આ કેન્દ્ર સવારે 08:00 થી સાંજે 06:00 વાગ્યા સુધી કાર્યરત રહેશે. આ નવા કેન્દ્રની શરૂઆત સાથે હવે ગાંધીનગરમાં કુલ 38 પોસ્ટ ઓફિસ આધાર કેન્દ્રો કાર્યરત થયા છે. તેવી જ રીતે, ગાંધીનગર હેડ પોસ્ટ ઓફિસમાં પણ કામકાજના કલાકો વધારીને સવારના 8 થી સાંજના 6 સુધી કરવામાં આવ્યા છે, જેથી નોકરીયાત વર્ગ અને સામાન્ય જનતાને સરળતા રહે.
નિઃશુલ્ક અને સશુલ્ક સેવાઓ
પોસ્ટમાસ્ટર જનરલે સ્પષ્ટ કર્યું હતું કે, નવા આધાર નોંધણી અને બાળકો (5-7 વર્ષ તથા 15-17 વર્ષ) માટે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. જ્યારે અન્ય સુધારાઓ માટે નજીવી ફી નિર્ધારિત કરવામાં આવી છે: ડેમોગ્રાફિક અપડેટ (નામ, સરનામું, મોબાઈલ) રૂ.75 બાયોમેટ્રિક અપડેટ (ફિંગરપ્રિન્ટ, ફોટો): રૂ.125
બાળકોના બાયોમેટ્રિક અપડેટ માટે ખાસ અભિયાન ચલાવવામાં આવશે
પોસ્ટ વિભાગ દ્વારા શાળાઓમાં બાળકોના બાયોમેટ્રિક અપડેટ માટે ખાસ અભિયાન ચલાવવામાં આવશે. શાળાઓ પોતાની જરૂરિયાત મુજબ વિશેષ કેમ્પ માટે વિનંતી કરી શકશે. આ ઉપરાંત, છેવાડાના વિસ્તારો માટે લેપટોપ આધાર કીટ દ્વારા પણ નોંધણીની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. આ પ્રસંગે શિશિર કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલથી નાગરિકોને આધાર સંબંધિત કામગીરી માટે લાંબી લાઈનોમાંથી મુક્તિ મળશે અને ઝડપી નિકાલ આવશે.
આ પણ વાંચોઃ Morbi: મોરબીનો સાહિલ યુક્રેનની જેલમાં કેદ,પુત્રને પરત લાવવા માતાએ માગી મદદ