દહેગામ ખાતે છેલ્લા ત્રણ દિવસથી દૂધના ભાવ મુદ્દે પશુપાલકો અને ઉત્તમ ડેરી સંચાલકો વચ્ચે ભારે વિવાદ ચાલી રહ્યો છે. ઉત્તમ ડેરી અને સ્થાનિક પશુપાલકો વચ્ચેનો મતભેદ હવે મંત્રણાના ટેબલ પરથી ઉતરીને રસ્તા પર આવી ગયો છે. પશુપાલકોનો આક્ષેપ છે કે તેમને દૂધના પૂરતા ભાવ આપવામાં આવતા નથી અને ઉપરથી મધુર ડેરી ખાતે દૂધ સ્વીકારવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.


 પશુપાલકોએ વિરોધ સ્વરૂપે શીત કેન્દ્રના દરવાજા આગળ જ દૂધ ઢોળી દીધું

આંદોલનના પહેલા દિવસે ઉગ્ર દ્રશ્યો સામે આવ્યા હતા. પશુપાલકો જ્યારે ઉત્તમ ડેરીના શીત કેન્દ્રને તાળાબંધી કરવા પહોંચ્યા ત્યારે ત્યાં પહેલેથી તૈનાત બાઉન્સરોને જોઈ તેઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ગુસ્સે ભરાયેલા પશુપાલકોએ વિરોધ સ્વરૂપે શીત કેન્દ્રના દરવાજા આગળ જ દૂધ ઢોળી દીધું હતું. ગામડાઓમાં ડેરીના ચેરમેન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા તેમજ કેટલાક સ્થળોએ પૂતળા દહન પણ કરવામાં આવ્યા હતા.

સામાન્ય લોકોને મફતમાં દૂધ પીવડાવીને અનોખો વિરોધ નોંધાવ્યો

આંદોલનના બીજા દિવસે પશુપાલકોએ અલગ રીતથી વિરોધ નોંધાવ્યો હતો. દૂધ વેડફવાને બદલે તેમણે દહેગામ એસટી સ્ટેન્ડ ખાતે મુસાફરો અને સામાન્ય લોકોને મફતમાં દૂધ પીવડાવીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો. પશુપાલકોનું કહેવું છે કે તેઓ પોતાની મહેનતનું દૂધ વેડફવા માંગતા નથી, પરંતુ અન્યાય સામે અવાજ ઉઠાવવો જરૂરી છે.

પશુપાલકો ટ્રેક્ટરો સાથે નેહરુ ચોકડી થી વિધાનસભા તરફ કૂચ કરશે

હવે આ આંદોલનને રાજકીય સમર્થન પણ મળવા લાગ્યું છે. આંદોલન માટે આવતીકાલ એટલે કે શુક્રવારનો દિવસ નિર્ણાયક માનવામાં આવી રહ્યો છે. મોટી સંખ્યામાં પશુપાલકો ટ્રેક્ટરો સાથે નેહરુ ચોકડી થી વિધાનસભા તરફ કૂચ કરવાની તૈયારીમાં છે. હવે જોવાનું રહેશે કે પોલીસ પશુપાલકોને ગાંધીનગર સુધી પહોંચતા રોકશે કે પછી આ મુદ્દે વધુ ઘર્ષણ સર્જાશે.


આ પણ વાંચો----     Gandhinagar : ગેસની સ્થિતિ પર જીતુ વાઘાણીનું નિવેદન, સરકાર પાસે હાલ પૂરતા પ્રમાણમાં જથ્થો છે


  • Follow us on: