ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વહીવટી માળખામાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. જાહેર હિતને ધ્યાને રાખીને રાજ્યના ત્રણ આઈએએસ (IAS) અધિકારીઓની બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. આ સાથે જ માર્ગ અને મકાન વિભાગના સચિવને નિવૃત્તિ પૂર્વે એક વર્ષનું એક્સ્ટેન્શન આપીને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.
નવા કલેક્ટરોની નિમણૂક
સરકાર દ્વારા કરવામાં આવેલી નવી નિમણૂકો મુજબ, નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર જી. એચ. સોલંકીની સુરેન્દ્રનગરના નવા જિલ્લા કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. તેવી જ રીતે, અમરેલીના જિલ્લા વિકાસ અધિકારી (DDO) પી. બી. પંડ્યાને જામનગરના જિલ્લા કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, મહેસાણા મહાનગરપાલિકાના કમિશનર રવિન્દ્ર ખતાલેને ગાંધીનગરના કલેક્ટર તરીકે મોટી જવાબદારી સોંપાઈ છે. આ ત્રણેય અધિકારીઓ આગામી દિવસોમાં પોતાનો ચાર્જ સંભાળશે.













