ગત બીજી ડિસેમ્બરે દોલતપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી કેપીટલ રેલવે સ્ટેશન ગાંધીનગર પર કેપીટલ રેલવે પોલીસ, ગાંધીનગરને આશરે 15 વર્ષનો મુકબધિર બાળક બિનવારસી હાલતમાં મળી આવતા,બાળ કલ્યાણ સમિતિ ગાંધીનગરના આદેશથી બાળકને સરકારી બાળગૃહ ખાતે સંભાળ અને રક્ષણ માટે સંસ્થાકીય આશ્રય હેઠળ મુકવામાં આવ્યો હતો.બાળક બોલી તેમજ સાંભળી શક્તો ન હોવાથી તેનું નામ સરનામું કે વાલીવારસ,ઘર પરિવાર સંબંધિત કોઇ પણ માહિતી બાળક પાસેથી મળતી ન હોવાથી, બાળકનું સાંકેતિક ભાષામાં અવારનવાર કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ બાળક કોઇ પણ પ્રકારની માહિતી આપતો ન હતો.
દિલ્હી જંક્શન રેલ્વે સ્ટેશન પરથી તે ટ્રેનમાં બેઠો
બાળક અક્ષરજ્ઞાન ન ધરાવતો હોવાથી તે ફક્ત તેનું નામ અયાન લખી શક્તો હતો.અને સાંકેતિક ભાષામાં બાળકે પોતે મુસ્લિમ છે તેમ જણાવેલ હતુ.આ સિવાય અન્ય માહિતી આપતો ન હોવાથી બાળકના પરિવારની શોધખોળ કરવીએ પડકારરૂપ પરિસ્થિતી ઉભી થઇ હતી.આખરે બાળકનું વારંવાર ફોલોઅપ કાઉન્સેલિંગ કર્યું અને બાળકને પારીવારીક સભ્યો પ્રત્યે લાગણી ઉદ્ભવ કરાવતા, સાંકેતિક ભાષામાં મસ્જિદ દર્શાવતા ,બાળક દિલ્હીથી આવતી દોલતપુર એક્સપ્રેસમાં આવેલ હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. આ પછી બાળકને ગુગલ મેપમાં દિલ્હીની પ્રખ્યાત જગ્યાઓ બતાવતા બાળકને લાલ કિલ્લાની જાણ કરી હતી. તેને લાલકિલ્લો ગુગલ મેપ દ્વારા બતાવતા બાળકે સાંકેતિક ભાષામાં જણાવ્યું હતું કે,લાલકિલ્લાની પાછળ આવેલ દિલ્હી જંક્શન રેલ્વે સ્ટેશન પરથી તે ટ્રેનમાં બેઠો હતો.
ઉત્તરપ્રદેશ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો
ત્યાર બાદ તેને દિલ્હીની તેમજ આસપાસના રાજ્યોની અલગ અલગ જગ્યાઓ પર આવેલ મસ્જીદ, મદરેસાના ધાર્મિક સ્થળોના ફોટોગ્રાફ સોશિયલ મિડિયા દ્વારા બતાવેલ જેમાં વધુમાં એક સોશિયલ મિડિયા એકાઉન્ટમાં બાળકને રીલ સર્ચ કરી બતાવતા રીલના બેકગ્રાઉન્ડમાં આવતા મકાનો, ગલીઓને બતાવતો કે, તે જગ્યા પર તેનું ઘર છે.જેથી તેના એકાઉન્ટની રીલો વિશે વધારે શોધખોળ કરતા જાણવા મળ્યું હતું કે તે, બરેલી ઉત્તરપ્રદેશથી બનાવેલ હોવાથી ઉત્તરપ્રદેશ પોલીસનો સંપર્ક કરેલ અને ત્યાંથી કંટ્રોલ રૂમ બરેલી, ઉત્તર પ્રદેશ દ્વારા તમામ પોલીસ સ્ટેશનમાં બાળક અયાનની માહિતી મોકલી હતી.
બાળક અયાનની ગુમ થયાની ફરિયાદ નોંધાવી
જેના થોડા સમય બાદજ બરેલી પોલીસ સ્ટેશન દ્વારા સંપર્ક થતા તેમણે જણાવ્યું હતું કે બાળક અયાન કે જેની ગુમ થયાની ફરિયાદ તા.૨૩/૧૦/૨૦૨૪ ના રોજ નોંધાયેલ છે.જેથી બાળકના પરિવારની માહિતી મળી હતી અને ત્યાંથી બાળકના આધાર પુરાવા આવતા જાણવા મળ્યું કે,બાળક અયાન સાથે અન્ય બે બાળકો કોઇને જાણ કર્યા વગર બરેલી ઉત્તરપ્રદેશથી નીકળી ગયા હતા. ત્યારબાદ અયાન સિવાય અન્ય બે બાળકો ઘરે પરત આવી ગયા,પરંતુ બાળક અયાન ઘરે પરત ન આવતા બાળકના માતાપિતાએ બાળક અયાનની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
આખરે વાલીને તેમનું બાળક હેમખેમ મળ્યું
બાળક ઘરેથી નીકળી જઇ દિલ્હી પહોચી ગયો અને ત્યારે દિલ્હી રેલ્વે સ્ટેશન પર બિનવારસી હાલતમાં મળી આવતા બાળક અયાનને દિલ્હી બાળ ગૃહમાં આશ્રય હેઠળ મુકેલ પરંતુ ત્યાંથી તા.૩૦/૧૧/૨૦૨૫ ના રોજ સંસ્થામાંથી નાસી જઇ દિલ્હી જંક્શન સ્ટેશન પરથી દોલતપુર એક્સપ્રેસ ટ્રેનમાં બાળક બેસી ગાંધીનગર રેલ્વે સ્ટેશન પર આવતા કેપીટલ રેલ્વે પોલીસ દ્વારા આશ્રય હેઠળ મળ્યો હતો.જેથી ફકત 4 દિવસમાં બાળકની કાઉન્સેલિંગ પ્રક્રિયા હાથ ધરીને સતત તેના પ્રયાસ કરતા બાળકના વાલીનો સંપર્ક થયો હતો. બાળકને વિડિયોકોલ પર વાત કરાવી હતી. જેથી માતાપિતાને પોતાનો દિકરો મળી ગયો અને તેને વિડિયોકોલ પર વાત કરાવતા તેના માતાપિતા ખુશીથી રડી પડયા અને છેલ્લા 15 માસથી બાળકના મળવાની આશા મુકી દિધેલ પરંતુ બાળકને વિડિયોકોલ પર જોતા તેમના હરખના આંસુ આવી ગયા હતા.
આ પણ વાંચોઃ Surat News: પાલ એક્વેરિયમ 9 મહિનાથી બંધ હોવા છતાં ઓનલાઇન બતાવે છે 'ચાલુ'