ગુજરાતમાં ડેટા સેન્ટર અને આઇ.ટી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટમાં વધારો કરીને હાઇપર સ્કેલ અને એન્ટરપ્રાઇઝ ડેટા સેન્ટર માટે ગુજરાતને ડેસ્ટિનેશન ઓફ ચોઈસ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ ભરવામાં આવ્યું છે. આ હેતુસર ગાંધીનગરના મહાત્મા મંદિરમાં રાજ્ય સરકાર, ગિફ્ટ સિટી અને શારજાહની હેનોક્સ આઈ.ટી એન્ડ ડેટા સેન્ટર્સ પ્રા.લી. વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. આ ડેટા કેબલ લેન્ડીંગ સ્ટેશન પ્રોજેક્ટ અંદાજે 1317 કરોડ રૂપિયાના સંભવિત રોકાણ સાથે આણંદ જિલ્લાના ધુવારણમાં આકાર પામશે અને પ્રત્યક્ષ પરોક્ષ મળીને 1300થી વધુ રોજગારીની તકોનું સર્જન થશે.
સ્ટાર્ટઅપ્સ પ્લેટફોર્મ્સ અને જી.સી.સી.ના વિકાસને વેગ
ગાંધીનગરમાં યોજાઇ રહેલી રિજનલ એ.આઈ. ઇમ્પેક્ટ કોન્ફરન્સમાં સહભાગી થવા આવેલા હેનોક્સ આઇ,ટી,ના સી.ઈ.ઓ. મસૂદ એમ શરીફ મહમદ અને રાશીદ અલ અલી તથા યુ.એઈ.ના ભારત સ્થિત રાજદૂત ડૉ. અબ્દુલ નસર જમાલ અલસાલીએ આ એમ.ઓ.યુ. કર્યા પછી મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને સાયન્સ ટેકનોલોજી મંત્રી સાથે મુલાકાત બેઠક યોજી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સી.એલ.એસ પ્રોજેક્ટને પરિણામે આવનારા દિવસોમાં ગુજરાતમાં ઝડપી અને મજબૂત આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટીથી એ.આઈ., મશીન લર્નિંગ, સ્ટાર્ટઅપ્સ પ્લેટફોર્મ્સ અને જી.સી.સી.ના વિકાસને વેગ મળશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.













