ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ પંકજ જોષીને GERCના નવા ચેરપર્સન તરીકે નિમવામાં આવ્યા છે. ગઈકાલે રાજ્ય સરકારે સત્તાવાર પરિપત્ર જાહેર કરીને તેમની નિયુક્તિ કરી હતી. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાત વીજ નિયમન પંચ-GERCના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયેલા પૂર્વ મુખ્ય સચિવ પંકજ જોષીને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. વીજ નિયમન પંચના નવ નિયુક્ત સભ્ય હિરેન શાહે પણ હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા.


GERCના અધ્યક્ષના હોદ્દાનો પદભાર સંભાળ્યો

આ શપથ વિધિમાં ઊર્જામંત્રી ઋષિકેશ પટેલ, હાઇકોર્ટના નિવૃત જસ્ટિસ રાજેન્દ્ર સરીન અને ઊર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે. હૈદર તેમજ મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ અને વીજ નિયમન પંચના સભ્યો સહિત વરિષ્ઠ સચિવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ પુષ્પગુચ્છ અર્પણ કરીને પંકજ જોષીને GERCના અધ્યક્ષના હોદ્દાનો પદભાર સંભાળવા માટેની શુભકામનાઓ પાઠવી હતી.

પંકજ જોષી 1989 બેચના IAS અધિકારી

પૂર્વ મુખ્ય સચિવ પંકજ જોષી 1989 બેચના IAS અધિકારી છે. તેમણે રાજ્યમાં મુખ્યમંત્રી કાર્યાલય સહિત સરકારમાં મહત્વપૂર્ણ હોદ્દાઓ પર ફરજ બજાવી છે. તેઓ ઓક્ટોબર 2025ના અંતમાં રાજ્ય સરકારના મુખ્ય સચિવ પદેથી નિવૃત્ત થયા હતા. રાજ્યમાં ફરજ દરમિયાન તેમણે ઊર્જા, મહેસૂલ, શહેરી વિકાસ અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં પદભાર સંભાળ્યો હતો. હવે તેમનો વિશાળ અનુભવ હવે વીજક્ષેત્રની નીતિઓ અને નિયમનક્ષેત્રે ઉપયોગી બનશે.


આ પણ વાંચોઃ Ahmedabad News: સતત ત્રીજા દિવસે 35 સ્થળે આવકવેરા વિભાગનો સપાટો, વિનોદ મિત્તલના ઘરેથી શંકાસ્પદ વ્યવહારો મળ્યા


  • Follow us on: