વડાપ્રધાન મોદીએ વિદ્યાર્થીઓમાં પરીક્ષા અંગે રહેલા ડર અને નિષ્ફળતાનો ભય દૂર કરવાની પ્રેરણા પૂરી પાડતો લોકપ્રિય કાર્યક્રમ ‘પરીક્ષા પે ચર્ચા’ દેશ ભરમાં શરૂ કરાવ્યો છે. વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાઓ સહિતની વાર્ષિક પરીક્ષા પૂર્વે આ માટેનું ગહન માર્ગદર્શન તેઓ પાછલા 8 વર્ષથી ‘પરીક્ષા પે ચર્ચા’ના આ ઉપક્રમમાં પુરૂ પાડે છે.આ વર્ષે ‘પરીક્ષા પે ચર્ચા’ના નવમાં સંસ્કરણમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરના સુઘડ ખાતેની આનંદ નિકેતન શાળાના છાત્રો સાથે સહભાગી થયા હતા.
સ્ટ્રેસને સક્સેસમાં બદલવાનું પ્લેટફોર્મ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષા આપનારા બાળકોને સફળતાની શુભેચ્છાઓ પાઠવતાં કહ્યુ કે, પરીક્ષા એ જીવનની કસોટી નથી, પણ આપણી મહેનતનું પ્રતિબિંબ છે અને સ્ટ્રેસને સક્સેસમાં બદલવાનું પ્લેટફોર્મ છે.તેમણે ડિપ્રેશનમાં આવ્યા વિના જીવનનું સંતુલન જાળવીને કોઈ પણ પરિસ્થિતિમાં સ્વસ્થ મનથી આગળ વધવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓમાં વધી રહેલા મોબાઈલ ફોનના વળગણ અંગે ટીપ્પણી કરતાં કહ્યુ કે, બાળકો જેમ અભ્યાસ, વાંચન, રમત-ગમતનો સમય અને ટાઈમ ટેબલ નિયત કરે છે તેમ મોબાઈલ જોવાનો પણ કોઈ ચોક્ક્સ સમય નક્કી કરે, મોબાઈલની આદત ન કેળવે તેવી પણ તેમણે શિખ આપી હતી.













