કચ્છના છારીઢાંઢ જળપ્લાવિત વિસ્તારને વૈશ્વિક સ્તરે મહત્વ ધરાવતા જળપ્લાવિત વિસ્તારોમાં સ્થાન મળ્યું છે.છારીઢાંઢ વેટલેન્ડ કન્ઝર્વેશન રિઝર્વને ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ સત્તાવાર રીતે ‘રામસર સાઇટ’ તરીકે જાહેર કરવામાં આવ્યું અને એ સાથે જ ભારતની જળપ્લાવિત વિસ્તારોનાં સંરક્ષણની યાત્રામાં નવું છોગુ ઉમેરાયું છે.વન વિભાગ તરફથી વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળીને છારીઢાંઢને મળેલા વૈશ્વિક રામસર સાઇટનાં પ્રમાણપત્રને વિધિવત રીતે અર્પણ કર્યુ હતું.


છારીઢાંઢને વૈશ્વિક ઓળખ મળી

મુખ્યમંત્રીએ આ સિદ્ધિ બદલ મંત્રી અને સમગ્ર વન વિભાગની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.છારીઢાંઢ ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતા જળપ્લાવિત વિસ્તાર તરીકે ‘રામસર’ સાઇટનું પ્રમાણપત્ર મળ્યું છે. છારીઢાંઢ રણ અને ઘાસનાં મેદાનોની વચ્ચે આવેલો જળપ્લાવિત વિસ્તાર છે, જ્યાં દર વર્ષે હજારો પ્રવાસી પક્ષીઓ આવે છે.તેમાં વૈશ્વિક સ્તરે મહત્વ ધરાવતા ગ્રે હાયપોકોલિયસ પક્ષીનો સમાવેશ થાય છે.વર્ષ ૨૦૦૮માં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, ૧૯૭૨ની જોગવાઈઓ હેઠળ છારીઢાંઢને ગુજરાતનું પ્રથમ કન્ઝર્વેશન રિઝર્વ જાહેર કરવામાં આવ્યું હતું અને તેના સરંક્ષણ માટે જરૂરી તમામ પગલાઓ લેવામાં આવ્યા અને આજે તેના ફળસ્વરૂપે, છારીઢાંઢને વૈશ્વિક ઓળખ મળી છે.

છારીઢાંઢનું પર્યાવરણીય મહત્વ

છારીઢાંઢનો જળપ્લાવિત વિસ્તાર પક્ષી નિરીક્ષકો માટે મહત્વનું સ્થળ છે.કેમ કે અહીંયા એક સાથે બે લાખથી વધુ પક્ષીઓ જોવા મળી જાય છે અને 187થી વધુ પ્રજાતિનાં પક્ષીઓ અહીં નોંધાયા છે.ખાસ કરીને એક જ સ્થળે ૪૦,૦૦૦થી વધુ કુંજ (કોમન ક્રેન) પક્ષીઓ જોવા મળે છે.છારીઢાંઢની આસપાસ કુલ ૨૮૩ પ્રજાતિનાં પક્ષીઓ નોંધાયા છે, જેમાં ૧૧ વૈશ્વિક સ્તરે જોખમગ્રસ્ત અને ૯ ‘નિયર થ્રેટન્ડ’ પ્રજાતિનાં પક્ષીઓનો સમાવેશ થાય છે, જે તેના ઊંચા સંરક્ષણ મૂલ્યને દર્શાવે છે.અત્યાર સુધી બાવનથી વધુ દેશોનાં પ્રવાસીઓ છારીઢાંઢની મુલાકાત લઇ ચુક્યા છે અને આ દેશોમાંથી નિયમીતરીતે આ વિસ્તારની જૈવવિવિધતા જોવા માટે અહીં આવે છે.

સરકાર દ્વારા લેવામાં આવેલા વન્ય જીવોના સંરક્ષણ માટેના પગલા

જૈવિક સમૃદ્ધિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ઓગસ્ટ ૨૦૦૮માં છારીઢાંઢને કન્ઝર્વેશન રિઝર્વ તરીકે જાહેર કર્યું હતું. રાજ્યનું આ પ્રથમ કન્ઝર્વેશન રિઝર્વ હતું. આજે છારીઢાંઢ કચ્છ જિલ્લામાં સર્વાધિક પક્ષી વૈવિધ્ય ધરાવતું સ્થળ છે, જ્યાં ૧૮૭ પ્રજાતિનાં પક્ષીઓ જોવા મળ્યાં છે. જે રાજ્યની કુલ પક્ષી વૈવિધ્યતાના ૩૫ ટકાથી વધુનું પ્રતિનિધિત્વ કરે છે. માત્ર એપ્રિલ ૨૦૨૫માં જ આશરે ૫૦૦થી ૬૦૦ ગ્રે હાયપોકોલિયસ પક્ષીઓ અહીં જોવા મળ્યા હતા. છારીઢાંઢ જળપ્લાવિત વિસ્તાર ૨૨,૭૦૦ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે અને તે૧૨ ગામોને આરી લે છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: ખાડિયા પોલીસ સ્ટેશનમાં ડિટેઇન કરેલા વાહનોમાં લાગી આગ, 50થી વધુ વાહનો બળીને ખાખ



  • Follow us on: