વર્ષ 2024માં ભારતના પ્રવાસન ક્ષેત્રમાં મજબૂત વિકાસ જોવા મળ્યો છે.જેમાં દેશમાં આવતા વિદેશી પ્રવાસીઓની સંખ્યા 99.5 લાખ સુધી પહોંચી છે.આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સંખ્યા પણ વધીને 2.05 કરોડ થઇ છે જે કોવિડ પહેલાના વર્ષ 2019ની સરખામણીએ 14.85%નો વધારો દર્શાવે છે.રાષ્ટ્રીય સ્તરે નોંધાયેલી આ વૃદ્ધિમાં ગુજરાત પણ વિદેશી પ્રવાસીઓ માટે ત્રીજા સૌથી પસંદગીના રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે.કેન્દ્રીય પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શેર કરાયેલા આંકડા મુજબ 2024માં સૌથી વધુ વિદેશી પ્રવાસીઓના આગમન બાબતે,ટોચના પાંચ રાજ્યોમાં મહારાષ્ટ્ર,પશ્ચિમ બંગાળ,ગુજરાત,ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.
સાંસ્કૃતિક વારસો અને આઇકોનિક સ્થળોને પ્રોત્સાહન
મંત્રાયલ દ્વારા જણાવ્યા અનુસાર 2024માં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના આગમનમાં ભારત વૈશ્વિક સ્તરે 20મા ક્રમે છે જેમાં 2.05 કરોડ મુલાકાતીઓએ ભારતની મુલાકાત લીધી છે. વર્ષ 2023-24માં પ્રવાસન ક્ષેત્રમાં 8.46 કરોડ લોકોને રોજગારની તકો પ્રાપ્ત થઇ છે.મૂડી રોકાણ માટે રાજ્યોને વિશેષ સહાય અને સ્વદેશ દર્શન 2.0 જેવી યોજનાઓના સહયોગથી આ સફળતા પ્રાપ્ત કરવામાં મદદ મળી છે.ગુજરાતે આ પહેલોના સહયોગ સાથે રાજ્યના ધાર્મિક સ્થળો, ઇકો ટુરિઝમ, સાંસ્કૃતિક વારસો અને આઇકોનિક સ્થળોને પ્રોત્સાહન આપવાની નોંધપાત્ર કામગીરી કરી છે.
વૈશ્વિક પ્રવાસન ક્ષેત્ર તરીકેની પ્રતિષ્ઠા
સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવા આઇકોનિક પ્રોજેક્ટ અને વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ જેવા કાર્યક્રમોએ પ્રવાસન ક્ષેત્રમાં શ્રેષ્ઠતાના નવા બેન્ચમાર્ક સ્થાપિત કર્યા છે અને પ્રવાસીઓના અનુભવને સમૃદ્ધ બનાવીને વૈશ્વિક સ્તરે ભારતની સ્થિતિ વધુ મજબૂત બનાવી છે. વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ગુજરાતનું ત્રીજુ સ્થાન એ માત્ર આંકડાકીય ઉપલબ્ધિ નથી પરંતુ તે એક સ્પષ્ટ વિઝન, સશક્ત નેતૃત્વ અને સાંસ્કૃતિક ગૌરવને દર્શાવે છે. હેરિટેજ, ઇકો ટુરિઝમ અને આઇકોનિક સ્થળો પર ધ્યાન કેન્દ્રિત કરીને ગુજરાત પસંદગીના વૈશ્વિક પ્રવાસન ક્ષેત્ર તરીકેની પ્રતિષ્ઠાને વધુ મજબૂત કરવા માટે તૈયાર છે.
એશિયાટિક સિંહો માટે જાણીતું ગીર રાષ્ટ્રીય ઉદ્યાન
વર્ષ 2024માં ગુજરાતમાં આવેલા વિદેશી પ્રવાસીઓએ રાજ્યના વૈવિધ્યપૂર્ણ સ્થળોની મુલાકાત લીધી હતી. જેમાં ધાર્મિક ક્ષેત્રો, હેરિટેજ સ્થળો, વાઇલ્ડલાઇફ અને આધુનિક કેન્દ્રોનો સમાવેશ થાય છે.સોમનાથ જ્યોતિર્લિંગમાં દર વર્ષે બહોળી સંખ્યામાં સમગ્ર વિશ્વમાંથી પ્રવાસીઓ આવે છે જ્યારે આધ્યાત્મિક સાધકો માટે દ્વારકા હંમેશાથી પસંદગીનું સ્થળ રહ્યું છે.એશિયાટિક સિંહો માટે જાણીતું ગીર રાષ્ટ્રીય ઉદ્યાન પણ ગુજરાત આવતા પ્રવાસીઓ માટે હંમેશાથી પસંદગીનું સ્થળ રહ્યું છે અને કેવડિયામાં વિશ્વની સૌથી ઉંચી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પ્રતિમા ભારતની એકતા અને એન્જિનિયરિંગ કૌશલ્યનું પ્રતીક બન્યું છે.આ સ્થળોના આકર્ષણના લીધે વર્ષ 2024માં વિદેશથી આવતા પ્રવાસીઓની સંખ્યામાં ગુજરાત દેશમાં ત્રીજું રાજ્ય બન્યું છે.
આ પણ વાંચોઃ Gandhinagar News : 930 કરોડનું મેગા સાયબર કૌભાંડ, 28 રાજ્યોમાં આતંક મચાવનાર 5 ઠગબાજોની ધરપકડ