ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં શરાબના નિયમોમાં સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટછાટને લઈને વિવાદ વકર્યો છે. ભગવા સેના ભારતના રાષ્ટ્રીય અધ્યક્ષે આ નિર્ણય સામે આકરું વલણ અપનાવતા જણાવ્યું છે કે, ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપવી એ અત્યંત અયોગ્ય નિર્ણય છે અને તેનાથી રાજ્યની સંસ્કૃતિને નુકસાન થશે. રાષ્ટ્રીય અધ્યક્ષે નિવેદન આપ્યું હતું કે, ગુજરાતમાં વર્ષોથી કડક દારૂબંધી હોવા છતાં રાજ્યએ સર્વાંગી વિકાસ કર્યો છે. આવી સ્થિતિમાં માત્ર ગિફ્ટ સિટી માટે છૂટછાટ આપવી એ તર્કસંગત નથી.
‘દારૂની છૂટછાટથી યુવા વર્ગ પર વિપરીત અસર પડશે’
ગાંધીનગરમાં દારૂની છૂટ આપવાથી યુવા વર્ગ પર તેની વિપરીત અસર પડશે અને સામાજિક મૂલ્યોનું પતન થશે. તેમણે આક્ષેપ કર્યો હતો કે સરકાર આ નિર્ણય દ્વારા ગિફ્ટ સિટીની છબીને ‘દાગી’ કરી રહી છે. ભગવા સેનાએ સ્પષ્ટ કર્યું છે કે જો સરકાર આ નિર્ણય પરત નહીં ખેંચે, તો તેઓ રસ્તા પર ઉતરી આંદોલન કરશે. આ ઉપરાંત, દારૂબંધીના કડક અમલ માટે તેઓ કોર્ટનો સહારો લેવાની પણ તૈયારી કરી રહ્યા છે. આ મુદ્દે આગામી દિવસોમાં સરકાર અને સંગઠનો વચ્ચે ઘર્ષણ વધવાની પૂરેપૂરી શક્યતા છે.













