કેન્દ્રીય સહકારિતા મંત્રાલય દ્વારા આવતીકાલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સહકાર વિભાગની દ્વિતીય રાષ્ટ્રીય પરિષદ એટલે કે 'મંથન બેઠક'નું આયોજન કરવામાં આવ્યું છે. દિલ્હીમાં મળેલી પ્રથમ સફળ બેઠક બાદ આ બીજી બેઠક છે, જેમાં સહકારિતા ક્ષેત્રે અનેક ક્રાંતિકારી નિર્ણયો લેનાર કેન્દ્રીય મંત્રી અમિત શાહ આખો દિવસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. આ કાર્યક્રમના ઉદ્ઘાટન સમયે ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને વિધાનસભાના અધ્યક્ષ પણ હાજર રહી ગરિમા વધારશે.
17 રાજ્યોના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ બનશે મહેમાન
આ બેઠકમાં સહકારિતાના ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્તરનું સંકલન સાધવા માટે દેશના 17 રાજ્યોના સહકાર મંત્રીઓ ગુજરાતના મહેમાન બનશે. આ ઉપરાંત તમામ રાજ્યોના સચિવો અને ઉપ-સચિવો પણ આ મંથનમાં જોડાશે. કાર્યક્રમમાં સહકારિતા ક્ષેત્રના વિવિધ પાસાઓને ઉજાગર કરતી એક પ્રદર્શની અને શો-કેસનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને છત્તીસગઢ જેવા રાજ્યો દ્વારા સહકાર ક્ષેત્રે કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે.













