ગુજરાત પોલીસની કર્તવ્યનિષ્ઠા, શૌર્ય અને સમર્પણને બિરદાવવા વર્ષ ૨૦૧૯થી શરૂ થયેલા "DGP'S Commendation Disc" એવોર્ડ સમારોહ અંતર્ગત, આજે છઠ્ઠા વર્ષે ભવ્ય ઉજવણી, ગાંધીનગર કરાઈ ખાતે ગુજરાત પોલીસ પરિવારના સભ્યો, અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતમાં કરવામાં આવી હતી. આ સન્માન પ્રસંગે વિકાસ સહાયે સન્માનિત થનાર તમામ ૧૧૦ પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતાં. આ સાથે જ તેમણે પોલીસ કર્મીઓની આ ઉપલબ્ધિમાં સૌથી વધુ સહયોગી તેમના પરિવારજનો હોવાનું જણાવતા, પરિવારજનોને પણ શુભેચ્છાઓ પાઠવી હતી.
આપણા સૌની સૌથી પ્રબળ શક્તિ આપણી એકતા છે
વિકાસ સહાયે જણાવ્યું હતું કે, પોલીસની જે કામગીરી છે, તેમાં તેમના પરિવારજનોનો સપોર્ટ ખૂબ મહત્વનો છે. એટલે જ આપણે ગુજરાત પોલીસ નહીં પરંતુ ‘ગુજરાત પોલીસ પરિવાર’ તરીકે સંબોધન કરીએ છીએ. આપણા સૌની સૌથી પ્રબળ શક્તિ આપણી એકતા છે". યુનિફોર્મ સર્વિસમાં એક ચંદ્રકનું મહત્વ અને તેનું ગર્વ એક પોલીસ કર્મચારી સારી રીતે સમજી શકે છે. વધુમાં તેમણે મેડલ પ્રાપ્ત કરનાર તમામ અધિકારીઓ તથા કર્મચારીઓ અંગે ખાસ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયની કામગીરીની સમીક્ષા કર્યા બાદ આ એવોર્ડ માટે ચયન થનાર આ 110 ઉત્કૃષ્ટ કામગીરી કરનારા કર્મયોગીઓ આજે સન્માન પામી રહ્યા છે.
ઉત્કૃષ્ટ કામગીરી ચાલુ જ રાખવા પ્રોત્સાહન
ગુજરાત પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવણી અને ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા ઉપરાંત સિટીઝન સેન્ટ્રીક કામગીરી સહિતની અનેક ફરજો એકસાથે વહન કરી રહી છે, પરંતુ આ સન્માન માટેની નીતિ મુજબ 110ની મર્યાદા હોવાથી ઘણા બધા કર્મચારીઓને કામગીરીને એવોર્ડથી સન્માનિત કરી શકાતી નથી.તેમણે આ વર્ષે સન્માન ન મેળવી શકેલા પોલીસ કર્મીઓને,નાસીપાસ ન થઈ પોતાની ઉત્કૃષ્ટ કામગીરી ચાલુ જ રાખવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.આ ઉપરાંત પોલીસના મનોબળની વાત કરતાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે,આપણા પોલીસ બળના કર્મચારીઓનું મનોબળ તોડવાનો પ્રયાસ કરવામાં આવે તો એક નીડર લીડર તરીકે આ વાતને સ્વીકારો નહીં.
આત્મસન્માન અને ગર્વથી ભયમુક્ત બની કામગીરી કરો
આત્મસન્માન અને ગર્વથી ભયમુક્ત બની કામગીરી કરો. દરેક સંવર્ગના અધિકારી કર્મચારી એકબીજાનું માન સન્માન જાળવીએ તો આપણા તાબા હેઠળ કાર્ય કરતા દરેક કર્મચારીઓ અધિકારીઓ ભયમુક્ત બની કામ કરી શકશે.આ પ્રસંગે વિકાસ સહાયે 110 અધિકારી કર્મચારીઓ ઉપરાંત ગુજરાતના ખૂણે ખૂણે ખૂબ જ ઉત્કૃષ્ટ કામગીરી કરી રહેલા પોલીસ કર્મચારીઓને પણ બિરદાવતા ઉમેર્યું હતું કે, આપણી જે શક્તિ છે તે આપણી એકતામાં છે, એકબીજાને સાથ સહયોગ થકી કામ કરી શકીએ, આ જ મૂળ ધ્યેયથી ગુજરાત પોલીસ સુંદર કાર્ય કરી રહી છે.