ગુજરાતના પાટનગર ગાંધીનગરના સર્વાંગી વિકાસ માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2026-27નું 1903.08 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા આ બજેટમાં ગયા વર્ષની સરખામણીએ પોણા અગિયાર ટકા (11 ટકા)નો વધારો સૂચવવામાં આવ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે, ગાંધીનગરના શહેરીજનો પર કોઈ નવો વેરો ઝીંકવામાં આવ્યો નથી.
રિબેટ યોજનામાં મોટો ફાયદો
ગાંધીનગર મનપાના ડ્રાફ્ટ બજેટમાં મિલકત વેરા અને વાહન વેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. ઉલટું, એડવાન્સ ટેક્સ ભરનારા નાગરિકો માટે રિબેટ યોજનાનો સમયગાળો બે માસથી વધારીને ત્રણ માસ કરવામાં આવ્યો છે, જે કરદાતાઓ માટે મોટી રાહત છે. ગાંધીનગર મનપા આ બજેટમાં 150 કરોડ રૂપિયાની સરપ્લસ આવકનો અંદાજ ધરાવે છે.













