ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આગામી રવિવારના રોજ ચાર મહત્વપૂર્ણ જાહેરાતો માટેની પરીક્ષાનું રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા અંતર્ગત અકાઉન્ટ ઓફિસર, ગુજરાત વહીવટી સેવા (GAS) અને આસિસ્ટન્ટ કન્ઝરવેટર ઓફ ફોરેસ્ટ (ACF) જેવી પ્રતિષ્ઠિત જગ્યાઓ માટે ઉમેદવારો કસોટી આપશે. રવિવારે સવારે 11:00 વાગ્યાથી બપોરે 2:00 વાગ્યા સુધી યોજાનારી આ મહત્વની પરીક્ષામાં રાજ્યભરમાંથી કુલ 75,487 ઉમેદવારો ભાગ લેવાના છે, જેને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.
19 જિલ્લાઓમાં કુલ 323 પરીક્ષા સેન્ટરો
પરીક્ષાને સચોટ અને ગેરરીતિ રહિત સંપન્ન કરાવવા માટે રાજ્યના 19 જિલ્લાઓમાં કુલ 323 પરીક્ષા સેન્ટરો ફાળવવામાં આવ્યા છે. પેપરની સુરક્ષા અને પરીક્ષાની ગુપ્તતા જાળવવા માટે આયોગ દ્વારા પૂરતા અને કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ સંદર્ભે ગઈકાલે જ GPSCના અધ્યક્ષે તમામ જિલ્લાના કલેક્ટરશ્રીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી, જેમાં સુરક્ષા વ્યવસ્થાની ખાસ નોંધ લેવા સૂચના આપવામાં આવી હતી અને અધિકારીઓને પરીક્ષા પદ્ધતિની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SoP)થી વિગતવાર અવગત કરાવાયા હતા.













