ગાંધીનગર મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે સેક્ટર 12માં એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ છે. સેક્ટર 12માં આવેલા વિશ્વકર્મા મંદિર નજીક રોડ પર ખુલ્લી રહેલી ગટરમાં એક 3 વર્ષની માસૂમ બાળકી અચાનક ખાબકી હતી. આ ગટર આશરે 7 ફૂટ જેટલી ઊંડી હોવાથી બાળકી અંદર પટકાતા જ ચીસાચીસ કરી મૂકી હતી. સદનસીબે, આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને સમય સૂચકતા વાપરીને ગટરમાં ઉતરી બાળકીને સહીસલામત બહાર કાઢી હતી. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં મનપા પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.


તંત્ર જાગશે ક્યારે?

સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે, વિસ્તારમાં અનેક જગ્યાએ ગટરના ઢાંકણા તૂટેલા છે અથવા ખુલ્લા છે, જે અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. જો નાગરિકો સમયસર ન પહોંચ્યા હોત તો બાળકીનો જીવ જઈ શક્યો હોત. પાટનગરના હાર્દ સમાન વિસ્તારમાં જ્યારે આવી બેદરકારી જોવા મળે ત્યારે 'સ્માર્ટ સિટી'ના દાવાઓ સામે અનેક પ્રશ્નાર્થો ઉભા થાય છે. તંત્ર હજુ કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યું છે કે શું, તેવો સવાલ ઉઠાવીને લોકો હવે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાંની માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો : Union Budget 2026 : બાંગ્લાદેશના કાપડ સામ્રાજ્યના પાયા હચમચાવી દેશે ભારતનો માસ્ટર પ્લાન

  • Follow us on: