ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના કેસો પરત ખેંચાયા બાદ હવે ક્ષત્રિય સમાજ માટે પણ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. વર્ષ 2017માં રિલીઝ થયેલી 'પદ્માવત' ફિલ્મમાં ક્ષત્રિય સંસ્કૃતિના કથિત ખોટા ચિત્રણના વિરોધમાં રાજ્યભરમાં ઉગ્ર આંદોલન થયું હતું. આ પ્રદર્શન દરમિયાન મહેસાણા અને વિજાપુર સહિતના વિસ્તારોમાં ક્ષત્રિય યુવાનો પર પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. સમાજ દ્વારા આ કેસો પરત ખેંચવા માટે સરકારમાં બે વખત રજૂઆત કરવામાં આવી હતી, જેના પગલે સરકારે કોર્ટમાં અરજી કરી હતી. તાજેતરમાં કોર્ટે આ અરજીને માન્ય રાખતા મહેસાણા અને વિજાપુરના કેસોનો નિકાલ થયો છે.


અસ્મિતાની લડાઈનો સુખદ અંત

આ નિર્ણયને ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ આવકાર્યો છે અને જણાવ્યું છે કે આ પગલાથી અનેક યુવાનોના ભવિષ્ય સુરક્ષિત થશે. જોકે, મહેસાણાના કેસોનો નિકાલ થઈ ગયો છે, પરંતુ અમદાવાદમાં નોંધાયેલા કેસો પર હજુ કાર્યવાહી ચાલુ છે. સમાજ તરફથી એવી પણ વિનંતી કરવામાં આવી છે કે 'અસ્મિતા' આંદોલન અને અન્ય વિરોધ પ્રદર્શનો સમયે થયેલા બાકીના તમામ કેસો પણ સત્વરે પરત ખેંચવામાં આવે. સરકારના આ વલણથી ક્ષત્રિય યુવાનોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે અને સામાજિક સમરસતા વધશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Kutch ના રણની શાન વધી, છારી-ઢાંઢ પક્ષી અભયારણ્યને મળ્યો રામસર સાઇટનો દરજ્જો



  • Follow us on: