ભારતની આધ્યાત્મિક આસ્થાના પ્રતિક 'સ્વાભિમાન પર્વ' અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા શિવભક્ત શ્રદ્ધાળુઓ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વિવિધ શહેરોથી સોમનાથ જવા ઇચ્છતા શ્રદ્ધાળુઓ માટે વિશેષ ટ્રેનોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.ત્યારે ગાંધીનગર જિલ્લા માંથી પણ ૮૨૫ શિવભક્તો ભજન મંડળીઓ સહિત સોમનાથ જવા તા.૦૮ જાન્યુઆરીના રોજ સાબરમતી રેલવે સ્ટેશન અમદાવાદથી રવાના થયા છે. પવિત્ર સોમનાથ ધામે જતા શ્રદ્ધાળુઓને સુલભ, સુરક્ષિત અને અનુકૂળ મુસાફરી મળી રહે તે માટે સરકાર દ્વારા આયોજનબદ્ધ વ્યવસ્થા કરવામાં આવી છે.
ફુડ પેકેટ સહિત પીવાના પાણીની પણ સુંદર વ્યવસ્થા
કલેકટર ગાંધીનગર મેહુલ કે.દવેના દિશાનિર્દેશ હેઠળ સોમનાથ જતાં યાત્રીઓ માટે ૮૬૪ ફુડ પેકેટ સહિત પીવાના પાણીની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે જઈ રહેલા શિવભક્ત શ્રદ્ધાળુઓનો ઉત્સાહ વધારતા પ્રાંત ગાંધીનગર પાર્થ કોટડીયા, મામલતદાર મહેશ ગોહિલ તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરથી ભક્તિભાવ, આત્મીયતા અને સોમનાથ પ્રત્યેની અડગ આસ્થાના ભાવ સાથે જિલ્લાના શિવભક્તોને તંત્ર દ્વારા હર્ષોલ્લાસ ભેર સોમનાથ મહાપર્વમાં જવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.













