ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આવતીકાલથી એટલે કે 16 ફેબ્રુઆરીથી વિધિવત પ્રારંભ થવા જઈ રહ્યો છે. 16 ફેબ્રુઆરીના રોજ બપોરે 12:00 વાગ્યે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન સાથે સત્રની શરૂઆત થશે. આ સત્ર આગામી દિવસોમાં રાજ્યના વિકાસ અને આર્થિક આયોજન માટે અત્યંત મહત્વનું સાબિત થશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતનું બજેટ 18 ફેબ્રુઆરીના રોજ રજૂ થશે. રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ આ વર્ષનું બજેટ ગુજરાત વિધાનસભામાં રજૂ કરશે.


સત્રના પ્રથમ દિવસની કાર્યવાહી

રાજ્યપાલના સંબોધન બાદ ગૃહમાં ટૂંકો વિરામ રહેશે, જે બાદ પુનઃ બેઠક શરૂ થશે. સત્રના પ્રથમ દિવસે મુખ્યત્વે શોકદર્શક ઉલ્લેખ અને વિવિધ અહેવાલો રજૂ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે.

  • શ્રદ્ધાંજલિ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહના સ્વર્ગસ્થ સભ્યોના માનમાં શોકદર્શક ઉલ્લેખ રજૂ કરશે, જેને શાસક અને વિપક્ષના વરિષ્ઠ સભ્યો ટેકો આપશે.
  • અહેવાલો: ગૃહના મેજ પર ગુજરાત નાણાકીય નિગમ, મહિલા આયોગ અને ગુજરાત ખનીજ વિકાસ નિગમ (GMDC) જેવા મહત્વના આયોગના અહેવાલો રજૂ કરાશે.
  • વટહુકમ: ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) સુધારા વટહુકમ અંગેનું નિવેદન પણ ગૃહ સમક્ષ મૂકવામાં આવશે.

વિધાનસભા ઉપાધ્યક્ષની ચૂંટણી: રસાકસીનો માહોલ

16 ફેબ્રુઆરીના દિવસનું સૌથી મોટું આકર્ષણ વિધાનસભાના ઉપાધ્યક્ષ પદની ચૂંટણી રહેશે. લાંબા સમય બાદ આ પદ માટે શાસક ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ આમને-સામને છે.

  • વિપક્ષની રણનીતિ: કોંગ્રેસ તરફથી શૈલેષ પરમારે ઉમેદવારી નોંધાવી છે. ધારાસભ્ય દિનેશ ઠાકોર તેમનો પ્રસ્તાવ રજૂ કરશે.
  • શાસક પક્ષનો દાવ: ભાજપ તરફથી મંત્રી જીતુ વાઘાણી પૂર્ણેશ મોદીને ઉપાધ્યક્ષ તરીકે ચૂંટવા માટેનો પ્રસ્તાવ રજૂ કરશે.
  • ચૂંટણી પ્રક્રિયા: આ ચૂંટણી 'ધ્વનિ મત' દ્વારા કરવામાં આવશે.

ઉપાધ્યક્ષની ચૂંટણી બાદ કામકાજ સલાહકાર સમિતિનો અહેવાલ રજૂ થશે, જેમાં સત્રના આગામી દિવસોનું સમયપત્રક અને ચર્ચાના મુદ્દાઓ નક્કી કરવામાં આવશે.


આ પણ વાંચો - Gujarat Latest News Live : અમદાવાદમાં સોસાયટીમાં ઘૂસીને રહિશો પર હુમલો કરનારા 6 આરોપીઓનો પોલીસે વરઘોડો કાઢ્યો


  • Follow us on: