ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થાય તે પહેલાં જ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. ચોમાસા દરમિયાન શહેરોમાં જળબંબાકારની સ્થિતિ ન સર્જાય તે માટે રાજ્ય સરકારે તમામ મહાનગરપાલિકાઓને વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે કડક આદેશો જારી કર્યા છે. સરકારના આ આદેશ બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પણ હરકતમાં આવ્યું છે. વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ શહેરની પ્રી-મોન્સૂન સજ્જતા અને પાણીના નિકાલ અંગે કોર્પોરેશનના આયોજનની વિગતવાર માહિતી આપતું મહત્વનું નિવેદન આપ્યું છે.


 8 કલાક કે તેથી વધુ સમય સુધી વરસાદી પાણી ભરાઈ રહે છે

વડોદરા મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં સામાન્ય રીતે ભારે વરસાદ બાદ પણ 4 કલાકની અંદર પાણી ઉતરી જતું હોય છે. પરંતુ, શહેરના કેટલાક નીચાણવાળા અને ચોક્કસ વિસ્તારો એવા છે જ્યાં 8 કલાક કે તેથી વધુ સમય સુધી વરસાદી પાણી ભરાઈ રહે છે, જેના કારણે સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવી પડે છે.

તમામ વોટર લોગિંગ પોઇન્ટ્સ ઓળખી કાઢવામાં આવ્યા

આ સમસ્યાના કાયમી નિવારણ માટે તંત્ર દ્વારા વડોદરાના તમામ વોટર લોગિંગ પોઇન્ટ્સ ઓળખી કાઢવામાં આવ્યા છે. આવા સંવેદનશીલ સ્થળો માટે ખાસ ડેડિકેટેડ ટીમો બનાવવામાં આવી છે, જે વરસાદ દરમિયાન સ્થળ પર હાજર રહી પાણીનો ઝડપી નિકાલ સુનિશ્ચિત કરશે.

માઇક્રો ટનલ પ્રોજેક્ટ કાર્યરત કરી દેવામાં આવ્યો

આ ઉપરાંત, કમિશનરે ઉમેર્યું કે શહેરમાં ક્યાંય પણ લાંબો સમય પાણી ભરાઈ ન રહે તે માટે કોર્પોરેશન દ્વારા અગાઉથી જ 'માઇક્રો ટનલ પ્રોજેક્ટ' કાર્યરત કરી દેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અત્યાધુનિક અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ અને ટનલ સિસ્ટમ દ્વારા વરસાદી પાણીને મુખ્ય લાઈનો સુધી ઝડપથી પહોંચાડવામાં આવશે. કોર્પોરેશન દ્વારા કંટ્રોલ રૂમ સક્રિય કરી દેવાયો છે અને તમામ ઝોનના અધિકારીઓને વરસાદી પાણી ભરાવવાની ફરિયાદ પર ત્વરિત એક્શન લેવા તાકીદ કરવામાં આવી છે, જેથી આ ચોમાસે વડોદરાવાસીઓને જળસંકટમાંથી મુક્તિ મળી શકે. 


આ પણ વાંચો----     Gujarat Latest News Live : અમદાવાદમાં વસ્ત્રાપુરની લાડ સોસાયટીમાં પાલતુ શ્વાને 9 વર્ષના માસૂમ પર કર્યો હુમલો

  • Follow us on: