વડાપ્રધાન મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને આગળ વધારવા માટે હવે પંચાયતોએ વિવિધ સ્થાનિક પ્રકલ્પો-પ્રોજેક્ટ્સ થકી આવકના સ્ત્રોત ઊભા કરીને આત્મનિર્ભર પંચાયત બનવાની દિશામાં કાર્ય કરવું પડશે.આ પ્રોજેક્ટ્સ સાકાર કરવા માટે પંચાયત મંત્રાલય દ્વારા વિવિધ તકનીકી માર્ગદર્શન ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ કાર્યક્રમનો હેતુ પંચાયતોને આર્થિક રીતે સ્વાવલંબી, નવીન અને વિકાસલક્ષી બનાવવાનો છે, તેમ પંચાયતી રાજ મંત્રાલયના સચિવ શ્રી વિવેક ભારદ્વાજે ગાંધીનગર ખાતે 'આત્મનિર્ભર પંચાયત કાર્યક્રમ' વર્કશોપમાં જણાવ્યું હતું.
આત્મનિર્ભર પંચાયત’ કાર્યક્રમ
ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા ‘આત્મનિર્ભર પંચાયત’ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર સ્થિત હોટેલ લીલા ખાતે એક દિવસીય રાજ્યસ્તરીય આઉટરીચ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં ગુજરાતનાં પંચાયત વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સચિવ ભારદ્વાજે વધુમાં કહ્યું હતું કે, કોરોના મહામારી દરમિયાન ભારતે માત્ર પોતાની જરૂરિયાતો પૂરી કરી નહોતી, પરંતુ ‘વેક્સિન મૈત્રી’ અભિયાન દ્વારા અંદાજે 96 દેશોને કરોડો વેક્સિન ડોઝ પણ મોકલ્યા હતા. આ જ આત્મનિર્ભર ભારતના વિઝનને આગળ વધારવા માટે હવે પંચાયતોને પણ વિવિધ સ્થાનિક પ્રકલ્પો શરૂ કરીને આત્મનિર્ભર બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.
14 હજારથી વધુ પંચાયતને આત્મનિર્ભર બનાવવા પ્રયાસ
પંચાયત વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યું હતું કે, કેન્દ્રના પંચાયત રાજ મંત્રાલય દ્વારા 'આત્મનિર્ભર પંચાયત કાર્યક્રમ' હેઠળ ગુજરાતની 71 પંચાયતોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે. આત્મનિર્ભર પંચાયત' તરીકે પસંદગી પામી છે તે ગૌરવ સમાન છે. પરંતુ આપણે 71 પંચાયત સુધી મર્યાદિત નથી રહેવાનું પણ ગુજરાતની તમામ 14 હજારથી વધુ પંચાયતને આત્મનિર્ભર પંચાયત બનાવવા સંયુક્ત પ્રયાસો કરવાના છે. આપણી શાસન વ્યવસ્થામાં સૌથી ઉપર કેન્દ્ર, વચ્ચે રાજ્ય અને સૌથી નીચે લોકલ સેલ્ફ ગવર્મેન્ટ એટલે કે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ છે.
વધુ પ્રયત્નોથી આ લક્ષ્યને પાર કરી શકાય
તેમણે કહ્યું હતું કે, આપણે આત્મનિર્ભર પંચાયતનો વ્યાપ વધારવો પડશે. કેન્દ્ર સરકારની આ યોજનામાં ભલે શરૂઆતમાં અમુક માપદંડો જેમ કે ગ્રામ પંચાયતની આવક 50 લાખ કે તાલુકાની 1 કરોડના આધારે ગુજરાતની 71 પંચાયતોની પ્રાથમિક પસંદગી થઈ હોય, પણ આ વિચાર માત્ર ત્યાં સુધી સીમિત ન રહેવો જોઈએ. જો કોઈ પંચાયત આજે 49 લાખ કે 95 લાખ પર હોય, તો તે થોડાક વધુ પ્રયત્નોથી આ લક્ષ્યને પાર કરી શકે છે. આ આત્મનિર્ભરતાના મંત્રને ગુજરાતની તમામ 14 હજાર કરતાં વધુ પંચાયતો સુધી પહોંચાડવા અગ્ર સચિવે આહ્વાન કર્યું હતું.
આ પણ વાંચોઃ Gujarat News: પોરબંદરમાં વસ્તી ગણતરીમાં ગેરહાજર રહેતા રોડ પ્રાથમિક શાળાના આચાર્યની ધરપકડ