ગુજરાત વિધાનસભામાં બજેટ પરની સામાન્ય ચર્ચા પર જવાબ આપતા વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે અત્યારે વિશ્વમાં સેમિકંડક્ટર અને ટેકનોલોજીનો નવો યુગ ચાલી રહ્યો છે.ભારત હવે સેમિકંડક્ટર મેન્યુફેક્ચરિંગમાં પ્રવેશ કરી રહ્યું છે.જે અત્યાર સુધી માત્ર અમુક દેશો પૂરતું મર્યાદિત હતું. વિશ્વની ટોચની ૫-૬ હાઈટેક ઇન્ડસ્ટ્રીઝમાંથી ૪ ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતમાં આવી રહી છે.વડાપ્રધાન મોદીના હસ્તે આવતીકાલે સાણંદમાં માઈક્રોન સેમિકંડક્ટર ફેસિલિટીનું ઉદઘાટન એ ભારતના ટેકનોલોજિકલ ઇતિહાસની મોટી ઘટના હશે.
૧૪૦ કરોડ નાગરિકોને વિનામૂલ્યે વેક્સિન આપી
મંત્રીએ ગૃહમાં કહ્યું કે,કોવિડ 19 દરમિયાન જ્યારે દુનિયાની અર્થવ્યવસ્થા ડગમગી ગઈ હતી, ત્યારે દેશના વૈજ્ઞાનિકોના પ્રયત્નોથી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે ત્રણ-ત્રણ વેક્સિન તૈયાર કરી અને ૧૪૦ કરોડ નાગરિકોને વિનામૂલ્યે વેક્સિન આપી છે. આ પડકારને તકમાં બદલીને ભારતે વિશ્વના અન્ય દેશોને પણ વેક્સિનની મદદ કરી હતી.મંત્રી મોઢવાડિયાએ ગૃહમાં વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં મોટા નિર્ણયો લીધા છે. રાજ્યમાં રૂ.૧૫,૦૦૦ કરોડ રૂપિયાની મગફળીની ખરીદી કરવામાં આવી હતી.
ગુજરાતની આર્થિક શિસ્ત અન્ય રાજ્યો કરતા ઘણી સારી
આ ઉપરાંત, વરસાદી આફત સમયે લાંબી સર્વેની પ્રક્રિયામાં સમય બગાડ્યા વિના ૧૬,૦૦૦ ગામડાઓના ખેડૂતોને મદદ પહોંચાડવા માટે ૧૧,૦૦૦ કરોડ રૂપિયા સીધા તેમના ખાતામાં જમા કરવામાં આવ્યા હતા. આ સિવાય ટેકનોલોજીના યુગમાં સિસ્ટમ એટલી આધુનિક છે કે હવે ખેડૂતોને સાત-બાર (૭/૧૨) કે આઠ-અ (૮-અ) ના ઉતારા માટે સરકારી કચેરીએ જવું પડતું નથી, બધું જ ઓનલાઇન ઉપલબ્ધ છે.ગુજરાત મજબૂત નાણાકીય વ્યવસ્થાપન ધરાવે છે. ગુજરાતનું બજેટ હવે રૂ.૪ લાખ કરોડ સુધી પહોંચ્યું છે. ગુજરાતની આર્થિક શિસ્ત અન્ય રાજ્યો કરતા ઘણી સારી છે. ગુજરાતનો 'કમિટેડ એક્સપેન્ડિચર' એટલે કે પગાર, પેન્શન અને વ્યાજ માત્ર ૪૭ ટકા છે.તેની સરખામણીમાં પંજાબ જેવા રાજ્યોમાં આ ખર્ચ ૮૫ ટકા જેટલો ઊંચો છે.
રાજ્યને વધુ દેવું લેવાની જરૂર પડતી નથી
ગુજરાતનો GSDP રેશિયો અને આવકના સ્ત્રોતો મજબૂત હોવાથી રાજ્યને વધુ દેવું લેવાની જરૂર પડતી નથી. રાજ્યમાં બુલેટ ટ્રેન, આધુનિક બસ સ્ટેશનો, એરપોર્ટ અને રેલવે સ્ટેશનોના નવીનીકરણ જેવા મોટા પ્રોજેક્ટ્સ દ્વારા નવી પેઢીને દિશા આપવામાં આવી રહી છે. સ્વચ્છતાને વધુ પ્રાધાન્ય આપવાના મંત્ર સાથે પોરબંદરને પ્રથમ ODF શહેર જાહેર કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, વિદેશી રોકાણમાં ગુજરાત દેશમાં ત્રીજા નંબરે તેમજ વાસ્તવિક રોકાણમાં પ્રથમ નંબરે છે. ગુજરાત કૃષિ અને સંશોધન ક્ષેત્રે પણ અગ્રેસર છે. તેમણે કહ્યું કે ગુજરાત સંપત્તિનું સર્જન કરનારનું હંમેશાં સન્માન કરે છે ત્યારે ગુજરાત કેમિકલ ઉત્પાદનમાં પણ અગ્રેસર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતની ગિફ્ટ સિટી આર્થિક ક્ષેત્રે વિશ્વના દેશો સાથે હરિફાઈ કરી રહ્યું છે.
આ પણ વાંચોઃ Tapi News: ખાનગી સોલાર પ્લાન્ટના ખોદકામ માટે માર્ગ મકાન વિભાગના નિયમોનું ઉલ્લંઘન