મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હી ખાતે યોજાયેલી ક્રેડાઈની નેશનલ કોન્કલેવને સંબોધતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ આપેલા વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં રિયલ એસ્ટેટ ક્ષેત્રની ભૂમિકા અત્યંત મહત્વની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું, વડાપ્રધાને 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું જે વિઝન આપ્યું છે તેને પૂર્ણ કરવામાં રિયલ એસ્ટેટ ક્ષેત્રનો ફાળો મોટો રહેશે.
આવાસ યોજના આ દિશામાં મહત્વનું પગલું
દેશની સૌથી વધુ વસ્તી ધરાવતા રાષ્ટ્ર તરીકે ભારતમાં 'હાઉસિંગ ફોર ઓલ'ના લક્ષ્યાંકનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, વડાપ્રધાનનો સંકલ્પ છે કે ગરીબમાં ગરીબ વ્યક્તિને પણ પાકું મકાન મળે.પ્રધાનમંત્રી આવાસ યોજના આ દિશામાં મહત્વનું પગલું છે.આ સંકલ્પને પૂરો કરવા ક્રેડાઈ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રના આગેવાનોને કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર સાથે મળીને કામ કરવાં તેમણે અનુરોધ કર્યો હતો. રિયલ એસ્ટેટ ડેવલપર્સની વિશેષ ભૂમિકા પર પ્રકાશ પાડતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, રિયલ એસ્ટેટ માત્ર જમીન, ઇમારત કે ચાર દીવાલો નથી, પરંતુ તે એ સ્થળ છે જ્યાં પરિવારના સપનાઓ સમાયેલા હોય છે, વેપાર-ધંધો સફળતા મેળવે છે અને લોકો સાથે મળીને પોતાના જીવનને ઉન્નત બનાવે છે.
અર્બન ડેવલપમેન્ટ સહિત વિકાસનું રોલ મોડલ બન્યું
મુખ્યમંત્રીએ ડેવલપર્સને અપીલ કરતાં કહ્યું કે, આપણે એવા મકાનો બનાવીએ જેમાં ભારતીયતાની મહેક હોય. વિદેશી ટેકનોલોજીથી ભલે પ્રેરણા લઈએ, પરંતુ ડિઝાઇન ભારતીય રાખીએ. કન્સ્ટ્રક્શનમાં 'મેડ ઇન ઇન્ડિયા'નો સૂર હોય અને ઇમારતોમાં ભારતની વિરાસત તેમજ સંસ્કારો ઝળકતા હોય તેવા નિર્માણ કરીએ. મુખ્યમંત્રીએ સસ્ટેનેબિલિટી અને ઇનોવેશન પર ભાર મૂકતાં કહ્યું કે, પર્યાવરણને અનુકૂળ ઘરો, ઓફિસો અને સરકારી ઇમારતો બનાવવી જરૂરી છે. આ માટે નવા સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવું પડશે. વધતા શહેરીકરણને કારણે સંસાધનોનું સંચાલન કરવા દૂરંદેશી આયોજનની જરૂરીયાત તેમણે સમજાવી હતી. છેલ્લા 25 વર્ષથી વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાત વેલ-પ્લાન્ડ અર્બન ડેવલપમેન્ટ સહિત વિકાસનું રોલ મોડલ બન્યું છે. એટલું જ નહિં દેશનું સૌથી વધુ શહેરીકૃત રાજ્ય છે.
ડેવલપર્સ રોકાણ કરવા આકર્ષિત થયા
ગુજરાતમાં સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ, ડિજિટલ લેન્ડ રેકોર્ડ્સ અને સમયબદ્ધ પરમિશન જેવી વ્યવસ્થાઓને કારણે ડેવલપર્સ રોકાણ કરવા આકર્ષિત થયા છે. ગ્રીન બિલ્ડિંગ, રિન્યુએબલ એનર્જી, વોટર કન્ઝર્વેશન અને વેસ્ટ મેનેજમેન્ટને પ્રોત્સાહન આપવાના કારણે ગુજરાત રિયલ એસ્ટેટ માટે શ્રેષ્ઠ સ્થાન બન્યું છે.ગિફ્ટ સિટી અને ધોલેરા સ્માર્ટ સિટીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે,ધોલેરા 920 ચો.કિ.મી. વિસ્તારમાં વિકસી રહ્યું છે, જ્યાં સેમિકન્ડક્ટર, એરોસ્પેસ અને ડિફેન્સ જેવી ઉદ્યોગો આવી રહ્યા છે. અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે અને ગ્રીનફિલ્ડ એરપોર્ટના કામો પૂર્ણતાના તબક્કામાં છે.ગિફ્ટ સિટીમાં પ્લગ એન્ડ પ્લે સહિત એવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવ્યું છે કે, બિઝનેસ પ્લેયરને અહીં આવતા પહેલાથી જ ઉત્તમ સુવિધાઓ તૈયાર મળી રહે છે.
આ પણ વાંચોઃ Rajkot News: ઉપલેટામાં વોંકળામાંથી મળ્યો કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ, હત્યા કે આત્મહત્યા?