ગાંધીનગર જિલ્લાના કલોલ હાઈવે પર આજે એક બેફામ બનેલા થાર ચાલકે મોતનું તાંડવ સર્જ્યું હતું. કલોલ હાઈવેના સર્વિસ રોડ પર પૂરઝડપે આવી રહેલી થાર કારના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા એક પછી એક ચાર વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બે વર્ષના માસૂમ બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.


બાઈક, મોપેડ અને ટેમ્પોના કચડ્યા

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, થાર કારનો ચાલક કોઈને પણ અડફેટે લેશે તેવા અંદાજ સાથે પૂરઝડપે કાર હંકારી રહ્યો હતો. તેણે સર્વિસ રોડ પર જઈ રહેલા એક બાઈક, એક મોપેડ અને ઉભેલા ટેમ્પો સહિત કુલ 4 વાહનોને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને માર્ગ પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા.

લોકોના ટોળાએ ચાલકને ઝડપ્યો

અકસ્માતને પગલે સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા 2 વર્ષના બાળક અને અન્ય ત્રણ વ્યક્તિઓને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડાયા છે. બીજી તરફ, રોષે ભરાયેલા લોકોએ અકસ્માત સર્જનાર થાર ચાલકને અટકાવ્યો હતો. ઘટનાની જાણ થતા જ કલોલ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ચાલકને કસ્ટડીમાં લઈ પોલીસ મથકે લઈ ગઈ હતી.

દારૂના નશામાં હતો ચાલક?

થાર ચાલકની ડ્રાઇવિંગ સ્ટાઇલ જોઈને લોકોમાં એવી ચર્ચા છે કે તે નશામાં હોઈ શકે છે. પોલીસે હાલ અકસ્માતે મોતનો પ્રયાસ અને ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન હેઠળ તપાસ શરૂ કરી છે. સર્વિસ રોડ પર બનેલી આ ઘટનાને કારણે કલોલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.


આ પણ વાંચો - Gandhinagar News: બહિયલમાં નવરાત્રિ દરમિયાન લોકોને ઉશ્કેરનાર આરોપી ઝડપાયો, પોલીસે જાહેરમાં વરઘોડો કાઢ્યો


  • Follow us on: