ગુજરાતના શહેરો ટકાઉ અને સ્માર્ટ બને એ માટે અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.આ જ પ્રયાસોના ભાગરૂપે,રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા તળાવો અને હવાની ગુણવત્તાનું રિયલ-ટાઇમ મોનિટરિંગ સુનિશ્ચિત કરવા લેક એન્ડ એર વોચ પહેલ શરૂ કરવામાં આવશે. ઝડપથી વધી રહેલા શહેરીકરણના કારણે તળાવોનું પ્રદૂષણ, પાણીની ગુણવત્તામાં ઘટાડો, ભૂગર્ભ જળના કુદરતી રિચાર્જમાં ઘટાડો અને ગીચ વિસ્તારોમાં હવાની ગુણવત્તા પર અસર થઈ રહી છે.
હવાની ગુણવત્તા પર દેખરેખ રાખી શકાશે
આ પડકારોને ધ્યાનમાં રાખીને ‘લેક એન્ડ એર વોચ’ પહેલ અંતર્ગત વિવિધ વિભાગોમાં કાર્યરત મોનિટરિંગ વ્યવસ્થાઓને એકીકૃત કરવામાં આવશે જેથી સમયસર કાર્યવાહી સુનિશ્ચિત થાય.આગામી સમયમાં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા એક સંકલિત,ડિજિટલ અને રિયલ-ટાઇમ માહિતી આપતું પ્લેટફોર્મ વિકસાવવામાં આવશે,જેના માધ્યમથી રાજ્યના શહેરોમાં તળાવો તથા હવાની ગુણવત્તા પર દેખરેખ રાખી શકાશે અને સમયસર ચેતવણી મળ્યા બાદ કાર્યવાહી સુનિશ્ચિત કરી શકાશે.અંદાજિત 10 કરોડની જોગવાઈ સાથે આ પહેલ પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે નોંધનીય ભૂમિકા ભજવશે.
હવાની ગુણવત્તા અંગેની માહિતી ઉપલબ્ધ થશે
હાલ શહેરોમાં આવેલા તળાવોમાં પ્રદૂષણ, કાંપ ભરાવ અને પાણીની ગુણવત્તામાં ઘટાડો જેવી સમસ્યાઓ જોવા મળે છે. લેક એન્ડ એર વોચ પહેલ અંતર્ગત સેટેલાઇટ ટેક્નોલૉજી દ્વારા તળાવોના વિસ્તાર, ગંદકીના સંકેતો અને શેવાળ જેવા પરિબળોનું વિશ્લેષણ કરી સમયસર ચેતવણી આપવામાં આવશે, જેથી તળાવોના સંરક્ષણ માટે સમયસર કાર્યવાહી શક્ય બનશે.આ ઉપરાંત, રાજ્યની 17 મહાનગરપાલિકા અને 152 નગરપાલિકા વિસ્તારોમાં એર ક્વોલિટી મોનિટરિંગ પોઇન્ટ્સ સ્થાપિત કરવામાં આવશે. આ ઉપકરણો દ્વારા રિયલ-ટાઈમ હવાની ગુણવત્તા અંગેની માહિતી ઉપલબ્ધ થશે.AQIમાં વધારો થવા પર આપમેળે એલર્ટ જનરેટ થશે, જેના આધારે સંબંધિત વિભાગો તાત્કાલિક પગલાં લઈ શકશે.
કામગીરીની સ્થિતિ અંગેની માહિતી ઉપલબ્ધ થશે
આ પહેલ શહેરી સ્તરના જીવન માટે મહત્વપૂર્ણ સાબિત થશે. શહેરોના તળાવો અને હવાની ગુણવત્તાનું મૂલ્યાંકન કર્યા બાદ તેની માહિતી રાજ્ય કક્ષાએ એકત્ર કરવામાં આવશે. આ ડેશબોર્ડમાં મેપ્સ, ટ્રેન્ડ્સ, એલર્ટ અને કામગીરીની સ્થિતિ અંગેની માહિતી ઉપલબ્ધ થશે. પરિણામે, વિવિધ વિભાગો વચ્ચે સંકલન વધશે અને સમયસર કામગીરી સુનિશ્ચિત થશે. નાગરિકોને પણ પારદર્શક રીતે માહિતી ઉપલબ્ધ બનશે, જેના કારણે જનજાગૃતિમાં વધારો થશે.લેક એન્ડ એર વોચ પહેલ રાજ્યમાં આબોહવા પરિવર્તન સામે શહેરોના ટકાઉ વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
આ પણ વાંચોઃ Gurugram News: હરિયાણાના ગુરૂગ્રામમાં એક સોસાયટીની દીવાલ ધરાશાયી, 9 મજૂરોનાં મોત