ગાંધીનગરમાં માર્ગ અકસ્માતની સંખ્યા સતત વધી રહી છે. જે કારણે સ્થાનિકો બેફામ વાહન ચલાવતા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. આ વચ્ચે વધુ એક અકસ્માતની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ગાંધીનગર-મહેસાણા હાઇવે પર ટ્રક અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે.
વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત થયું
ઘટનાની મળતી વિગતો અનુસાર, ગાંધીનગર મહેસાણા હાઈવે પર ઝુંડાલ બ્રિજ પાસે ટ્રક દ્વારા એક્ટિવાને ટક્કર મારવામાં આવી હતી. જે કારણે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર દંપતીમાંથી વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત થયું છે. જ્યારે મહિલાને ગંભીર ઇજા પહોંચતા પગ કાપવાની ફરજ પડી હતી. અડાલજ પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.













