ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી પેટ્રોલ અને ડીઝલ સહિત રાંધણ ગેસની અછતનો મુદ્દો ખૂબજ ચર્ચામાં રહ્યો છે. અછતને પગલે લોકોમાં એક એવો પેનિક ઉભો થયો હતો કે, પેટ્રોલ પંટ અને ગેસની એજન્સી બહાર લોકોની લાઈનો જોવા મળી હતી. જો કે, હવે સ્થિતિ સામાન્ય બની રહી છે. ત્યારે વિધાનસભામાં સમગ્ર બાબતે ચર્ચા થઈ હતી. ધારાસભ્ય હર્ષદ પટેલે આ સમગ્ર મુદ્દે શું કામગીરી કરવામાં આવી તેની માહિતી વિધાનસભામાં માગી હતી.


પેટ્રોલ ડીઝલ માટે લોકોમાં પેનિક

રાજય સરકારના મંત્રી ઋષિકેશ પટેલે હર્ષદ પટેલના સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે, રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ સહિત રાંધણ ગેસનો પૂરતો જથ્થો છે. કોઈ જગ્યાએ તકલીફ નથી. અછતની અફવા કેટલાક અજાણ્યા લોકો દ્વારા જાણી જોઈને ઉભી કરવામાં આવી છે. રાજ્યમાં ઈંધણની સંગ્રહખોરી સામે કાર્યવાહી કરવામાં આવશે. અફવાને કારણે એક જ દિવસમાં ચાર ગણું પેટ્રોલ અને ડીઝલ વેચાયું છે.

PNG કનેક્શન માટે સરકાર સજ્જ

તેમણે પીએનજી કનેક્શનને લઈને કહ્યું હતું કે, આ માટે સરકાર સજ્જ છે. નવા 12 હજાર કનેક્શનની નોંધણી થઈ છે. સિલિન્ડરને બદલે હવે પીએનજી સુવિધાને ઝડપી કરવામાં આવી છે. ગેસના ગોડાઉનો પર પોલીસનો બંદોબસ્ત મુકાયો છે. મહેસૂલ વિભાગના કર્મચારીઓ પણ તહેનાત રહ્યાં છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે કામગીરી થઈ રહી છે. સરકાર દરેક નાગરિકનો ચૂલો સળગતો રાખવા માટે કટિબદ્ધ છે.


આ પણ વાંચોઃ Gandhinagar : ગુજરાત વિધાનસભામાં UCC બિલ પસાર, 7.30 કલાકની મેરેથોન ચર્ચા બાદ બહુમતિથી પસાર


  • Follow us on: