રાજ્ય સરકારના વહીવટી તંત્રને વધુ સુદ્રઢ અને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવાના હેતુથી સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (SPIPA) દ્વારા સચિવાલયના ઉપસચિવો માટે ત્રિ-દિવસીય વિશેષ તાલીમ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે તા. 23 થી 25 એપ્રિલ, 2026 દરમિયાન આયોજિત આ કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્ય સચિવ મનોજકુમાર દાસના હસ્તે કરવામાં આવ્યું હતું.


નિર્ણયોમાં સંવેદનશીલતા અને સચોટતા અનિવાર્ય

તાલીમ કાર્યક્રમના પ્રારંભે મુખ્ય સચિવ મનોજકુમાર દાસે અધિકારીઓને સંબોધતા જણાવ્યું હતું કે, સચિવાલય સ્તરે લેવાયેલા નિર્ણયો લાખો નાગરિકોના જીવનને પ્રભાવિત કરે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, ફાઈલ એ માત્ર કાગળનો ટુકડો નથી, પણ કોઈના કલ્યાણનો માર્ગ છે. અધિકારીઓએ નાગરિકોને બિનજરૂરી ડોક્યુમેન્ટ્સ આપવા ન પડે તેવી સરળ પ્રક્રિયા વિકસાવવા અને ગુજરાતને ગ્લોબલ સ્ટાન્ડર્ડ સુધી લઈ જવા માટે કટિબદ્ધ થવા આહવાન કર્યું હતું.

AI અને આધુનિક ટેકનોલોજી સાથે કદમ મિલાવવા પર ભાર

આજના ઝડપથી બદલાતા યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને સાયબર સિક્યુરિટી જેવા વિષયો પર અપડેટ રહેવું અનિવાર્ય છે. સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માએ જણાવ્યું હતું કે, વહીવટી તંત્રમાં હવે 'એવિડન્સ બેઝ્ડ ડિસીઝન મેકિંગ' (પુરાવા આધારિત નિર્ણય પ્રક્રિયા) અપનાવવી જરૂરી છે. તાલીમમાં પીએમ ગતિશક્તિ પોર્ટલ, ઈ-ગવર્નન્સ અને ડિજિટલ પડકારો જેવા ટેકનિકલ સત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

'સરકારી' નહીં પણ 'અસરકારી' બનો: કાજલ ઓઝા વૈદ્ય

કાર્યક્રમમાં ઉપસ્થિત જાણીતા લેખિકા અને વક્તા કાજલ ઓઝા વૈદ્યએ અધિકારીઓને પ્રેરણા આપતા કહ્યું હતું કે, સફળતા માટે 'આઉટ ઓફ ધ બોક્સ' વિચારવું જરૂરી છે. તેમણે સરકારી કર્મચારીઓને માત્ર "સરકારી" મટીને સમાજ પર હકારાત્મક પ્રભાવ પાડનારા "અસરકારી" બનવા સૂચન કર્યું હતું. તેમજ કાર્ય અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવવાનું મહત્વ પણ સમજાવ્યું હતું.

તાલીમના મુખ્ય વિષયો

  • Enhancing Administrative Capacities and Leadership
  • ગુડ ગવર્નન્સ અને સિટિઝન સેન્ટ્રિક એડમિનિસ્ટ્રેશન
  • AI અને સાયબર સિક્યુરિટીના વહીવટી ઉપયોગો
  • જાહેર નાણાકીય વ્યવસ્થાપન (IFMS) અને પબ્લિક પ્રોક્યુરમેન્ટ
  • વિકસિત ગુજરાત 2047 ના લક્ષ્યાંકોની વ્યૂહરચના

સ્પીપાના મહાનિદેશક હારીત શુક્લએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, બઢતી એ માત્ર હોદ્દાનો ફેરફાર નથી પરંતુ જવાબદારીનો નવો તબક્કો છે. આ તાલીમ દ્વારા અધિકારીઓને વહીવટી પ્રક્રિયાઓની સાથે આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવશે.


આ પણ વાંચો - Gandhinagar: વેકેશનમાં શાળાઓ વિવિધ એક્ટિવિટીથી ગૂંજી


  • Follow us on: