'સંદેશ ન્યૂઝ' દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને સમયસર પુસ્તકો ન મળવાના મુદ્દે કરવામાં આવેલા અહેવાલની તીવ્ર અને સકારાત્મક અસર જોવા મળી છે. લાંબા સમયથી ચાલી રહેલી પુસ્તકોની અછતની સમસ્યા હવે દૂર થવા જઈ રહી છે. સરકારે આ મામલાની ગંભીરતાથી નોંધ લીધી છે અને તાત્કાલિક ધોરણે બાળકોને પુસ્તકો પહોંચાડવા માટે આદેશો આપ્યા છે. શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું હોવા છતાં, ખાસ કરીને ધોરણ 1 અને 2ના વિદ્યાર્થીઓને પુસ્તકો ન મળવાને કારણે તેમનો અભ્યાસ ખોરવાઈ રહ્યો હતો. જોકે, હવે બાળકોને પુસ્તકો વિના ભણવું નહીં પડે. શિક્ષણ વિભાગના નિર્ણય મુજબ, આવતીકાલથી જ તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં પુસ્તકો પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવશે.
આવતીકાલથી પુસ્તકોનું વિતરણ શરૂ
શિક્ષણ વિભાગ દ્વારા પુસ્તકોના વિતરણ માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. આગામી 10 દિવસ સુધી આ પુસ્તકો પહોંચાડવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલશે, જેથી ટૂંક સમયમાં જ રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ પાસે તેમના અભ્યાસક્રમનાં પુસ્તકો ઉપલબ્ધ હોય. પુસ્તકોના છાપકામમાં વિલંબ થવાના ગંભીર મામલે પણ સરકારે કડક વલણ અપનાવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પુસ્તકોના છાપકામ માટે જવાબદાર એજન્સીની કામગીરી અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. અગાઉ શૈક્ષિક સંઘ દ્વારા પણ પુસ્તકો ન મળવા મામલે સરકાર સમક્ષ સખત માગણી કરવામાં આવી હતી, જેનો પણ આખરે સ્વીકાર કરવામાં આવ્યો છે.













