સુરતના માંડવી તાલુકાના તડકેશ્વર ગામે 34 ગામોને પાણી પહોંચાડવાના હેતુથી અંદાજે 95 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલી પાણીની ટાંકી ટેસ્ટિંગ દરમિયાન જ ધરાશાયી થતા હડકંપ મચી ગયો છે. આ મામલે પાણી પુરવઠા મંત્રીએ કડક નિવેદન આપતા જણાવ્યું છે કે, આ અત્યંત ગંભીર બેદરકારી છે અને સરકાર કોઈ પણ કસૂરવારને છોડવાના મૂડમાં નથી. આ ઘટનાનો પડઘો છેક રાજ્ય કેબિનેટ સુધી પડ્યો છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતે જવાબદારો સામે દાખલારૂપ કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. અત્યાર સુધીમાં ફરજમાં બેદરકારી દાખવનારા ત્રણ ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
સરકાર મક્કમ
મંત્રીએ વધુમાં સ્પષ્ટતા કરી હતી કે, માત્ર સસ્પેન્શન પૂરતું નથી; ભ્રષ્ટાચાર આચરનાર એજન્સી અને જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરનો પોલીસ કેસ પણ કરવામાં આવશે. એજન્સીના જવાબદાર લોકોની ધરપકડ કરવાની દિશામાં કાર્યવાહી ગતિમાન છે જેથી ભવિષ્યમાં આવા સરકારી કામોમાં ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ન થાય. આ ટાંકી દ્વારા વિસ્તારના અનેક ગામોમાં પીવાનું પાણી પહોંચાડવાનું આયોજન હતું, પરંતુ ટેસ્ટિંગમાં જ સ્ટ્રક્ચર ફેઈલ થતા સમગ્ર બાંધકામની ગુણવત્તા પર સવાલો ઉભા થયા છે. સરકાર આ કેસમાં કડકમાં કડક સજા થાય તે માટે મક્કમતાથી આગળ વધી રહી છે.













