અરવલ્લી જિલ્લામાં હાર્ટ એટેકની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં મોડાસા-ઠેમડા રૂટની બસના ડ્રાઈવરનું હૃદયરોગના હુમલાને કારણે મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ, ટીંટોઈ ગામના વતની જયદિપસિંહ ચંપાવત એસટી બસમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવી રહ્યા હતા, ત્યારે ચાલુ નોકરી દરમિયાન અચાનક જ તેમને છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો. તબિયત લથડતા તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ કમનસીબે સારવાર મળે તે પહેલા જ તેમનું અવસાન થયું હતું.
ડ્રાઈવર જયદિપસિંહનું નિધન
હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબોએ તપાસ બાદ જયદિપસિંહને મૃત જાહેર કર્યા હતા. એક નિષ્ઠાવાન ડ્રાઈવર તરીકે જાણીતા જયદિપસિંહના અકાળે નિધનથી તેમના પરિવાર અને ટીંટોઈ પંથકમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. એસટી વિભાગના કર્મચારીઓમાં પણ પોતાના સાથી કર્મચારીને ગુમાવતા શોકની લાગણી જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરે અને ચાલુ કામ દરમિયાન હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે, જે ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે.













