ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ નીરજા ગોટરુએ આગામી ભરતી પ્રક્રિયાને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. 10 લાખથી વધુ ઉમેદવારો જ્યારે આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે, ત્યારે બોર્ડે ટેક્નોલોજી, પારદર્શિતા અને ‘ઝીરો એરર’ (શૂન્ય ભૂલ) ના સૂત્ર સાથે ફુલપ્રૂફ આયોજન કર્યું છે. શારીરિક કસોટી દરમિયાન દરેક ઉમેદવારની દોડની ચોક્કસ સેકન્ડોની ગણતરી કરવા માટે પગમાં RFID (Radio Frequency Identification) ચિપનો ઉપયોગ કરવામાં આવશે. આ હાઈટેક ટેક્નોલોજીના કારણે સમયની ગણતરીમાં કોઈપણ પ્રકારની માનવીય ભૂલની શક્યતા રહેશે નહીં અને સંપૂર્ણ પ્રક્રિયા ડિજિટલી રેકોર્ડ થશે.


પારદર્શક ભરતી પ્રક્રિયા

ઉમેદવારોમાં વિશ્વાસ જળવાઈ રહે તે માટે ભરતી બોર્ડ દ્વારા ગ્રાઉન્ડ પર જ 'અપીલ બોર્ડ'ની વ્યવસ્થા કરવામાં આવી છે. જો કોઈ ઉમેદવારને પોતાની ઊંચાઈ, છાતીનું માપ કે શારીરિક કસોટીના પરિણામ સામે વાંધો હોય, તો તેઓ તાત્કાલિક સ્થળ પર જ અપીલ કરી શકશે. નીરજા ગોટરુએ સ્પષ્ટ કર્યું છે કે સમગ્ર પ્રક્રિયા એટલી પારદર્શક હશે કે લાયક ઉમેદવારને અન્યાય ન થાય. આધુનિક કેમેરા અને સેન્સર આધારિત આ ભરતી પ્રક્રિયા ગુજરાત પોલીસના ઇતિહાસમાં ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે.

આ પણ વાંચો : Bharuch News : નાયબ કલેક્ટર સુપ્રિયા ગાંગુલી એક્શન મોડમાં, ટંકારીભાગોળમાં ગેરકાયદે દબાણોનો સફાયો

  • Follow us on: