ગીર સોમનાથ જિલ્લામાં લાંબા સમયથી એક જ જગ્યાએ જામી પડેલા પોલીસકર્મીઓ સામે એસપી (SP) દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડાએ વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે એકસાથે 176 પોલીસકર્મીઓની સામૂહિક બદલીના આદેશ જારી કર્યા છે. આ બદલીમાં મુખ્યત્વે એવા કર્મચારીઓને નિશાન બનાવવામાં આવ્યા છે જેઓ છેલ્લા 3 વર્ષ કે તેથી વધુ સમયથી એક જ પોલીસ સ્ટેશન અથવા એક જ વિભાગમાં ફરજ બજાવી રહ્યા હતા. વર્ષોથી એક જ સ્થળે કાર્યરત કર્મચારીઓની બદલી થતા પોલીસ બેડામાં ભારે ચર્ચાઓ જાગી છે.
એસપીનો કડક નિર્ણય
એસપીની આ આકરી અને આકસ્મિક કાર્યવાહીને પગલે સમગ્ર પોલીસ બેડામાં સન્નાટો વ્યાપી ગયો છે. સામાન્ય રીતે પોલીસ વિભાગમાં કાર્યક્ષમતા વધારવા અને સ્થાનિક સ્તરે થતા હિતોના ટકરાવને રોકવા માટે આ પ્રકારની બદલીઓ કરવામાં આવતી હોય છે. એકસાથે આટલી મોટી સંખ્યામાં બદલીના ઓર્ડર છૂટતા અનેક પોલીસકર્મીઓમાં દોડધામ મચી ગઈ છે. આ ફેરબદલથી આગામી સમયમાં જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં કેવો સુધારો આવે છે, તેના પર સૌની મીટ મંડાયેલી છે.













