ગુજરાતમાં દારૂબંધીના અમલ વચ્ચે બુટલેગરો હવે સરકારી વાહનોનો સહારો લઈ રહ્યા હોય તેમ જણાઈ રહ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં એસટી નિગમની લાઈન ચેકિંગ ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસમાં ભાવનગર-વેરાવળ બસમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. જે કારણે સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. બુટલેગરો દારૂની હેરાફેરી માટે અવનવા કિમિયા અપનાવી રહેતા હોવાના કારણે હવે પોલીસ પણ વધુ સક્રિય બની છે.
નમસ્તે સર્કલ પાસે ટિકિટ ચેકિંગમાં ખૂલી પોલ
ઘટનાની મળતી માહિતી અનુસાર, ભાવનગરથી વેરાવળ આવી રહેલી GSRTCની GJ 18 ZT 0439 નંબરની એક્સપ્રેસ બસ જ્યારે વેરાવળ નજીક નમસ્તે સર્કલ પાસે પહોંચી ત્યારે એસટી નિગમની લાઈન ચેકિંગ ટીમ દ્વારા રૂટિન ટિકિટ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન બસમાં એક શંકાસ્પદ થેલો મળી આવ્યો હતો. તપાસ કરતા આ થેલામાંથી વિદેશી દારૂની બોટલોનો જથ્થો મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
દારૂ ભરેલો થેલો 'બિનવારસી' હાલતમાં મળ્યો
ચેકિંગ દરમિયાન બસમાં હાજર મુસાફરોની પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ વ્યક્તિએ આ દારૂ ભરેલા થેલા પર પોતાનો હક જતાવ્યો ન હતો. આથી આ દારૂનો જથ્થો બિનવારસી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાય છે કે, કોઈ બુટલેગર પોલીસની નજરથી બચવા માટે એસ.ટી. બસમાં આ સામાન મૂકીને ફરાર થઈ ગયો હોવો જોઈએ.
પોલીસ તપાસનો ધમધમાટ
આ સમગ્ર મામલે એસ.ટી. બસના ડ્રાઈવર ઘેલાભાઈ મૂલુભાઈ વાધ દ્વારા વિધિવત રીતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઝડપાયેલા વિદેશી દારૂનો જથ્થો પ્રભાસ પાટણ પોલીસને સોંપવામાં આવ્યો છે. પોલીસે દારૂ કબ્જે કરી ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.
બસ કયા સ્ટોપ પરથી ઉપડી હતી અને કોણે આ થેલો ચઢાવ્યો હતો તે જાણવા માટે સીસીટીવી ફૂટેજ અને મુસાફરોની યાદીની ચકાસણી કરવામાં આવી રહી છે. એસટી બસ જેવી જાહેર પરિવહન સેવામાં દારૂની હેરાફેરી થતી હોવાની ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નો ઉભા કર્યા છે. હાલ પોલીસ આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો - Ahmedabad News: સૌરાષ્ટ્ર શાખાની મુખ્ય કેનાલમાંથી અજાણ્યા યુવક-યુવતીના મૃતદેહ મળ્યા, સમગ્ર પંથકમાં ચકચાર